લંડનઃ વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે, કાલ્ડરડેલમાં ચાર સગીરાઓ પર બળાત્કાર અને શારીરિક શોષણના આરોપસર 20 નરાધમોને જેલની સજા કરાઇ છે. 12થી 16 વર્ષની સગીરાઓ સાથે વર્ષ 2001થી 2010ના સમયગાળામાં જાતીય દુર્વ્યવહાર કરવા માટે દોષિતોને કુલ 219 વર્ષ કેદની સજા કરાઇ છે. 2016માં પહેલીવાર ફરિયાદ મળ્યા બાદ વ્યાપક પોલીસ તપાસ અને સંખ્યાબંધ સુનાવણીઓ બાદ આ સજાનું એલાન કરાયું હતું.
ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર ક્લેર સ્મિથે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો હું પીડિતોએ તપાસ દરમિયાન દર્શાવેલા સાહસને બિરદાવુ છું. કાયદાના નિયંત્રણોના કારણે અત્યાર સુધી અમે આ કેસની માહિતી જાહેર કરી શક્તા નહોતા પરંતુ હવે હું આ સજાને આવકારુ છું. વેસ્ટ યોર્કશાયર પોલીસ બાળકોનું જાતીય શોષણ અટકાવવાને ટોચની પ્રાથમિકતા આપે છે. આ કેસમાં સૌથી પહેલાં હેલિફેક્સના 9 વ્યક્તિને બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા જેલની સજા અપાઇ હતી.
હેડિંગઃ સગીરાના શોષણ માટે આસિફ મિર્ઝાને 4 વર્ષની કેદ
લંડનઃ સોશિયલ મીડિયા પર એક સગીરાને ફોસલાવીને તેનું શારીરિક શોષણ કરનાર સ્વેલ સ્થિત આસિફ મિર્ઝાને જેલ ભેગો કરી દેવાયો છે. કેન્ટ પોલીસના એક કર્મચારીએ આસિફને સગીરા સાથે કારમાં ઝડપી લેતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલી સગીરાએ આસિફને તેની કેટલીક અંગત સમસ્યાઓથી અવગત કરાવતાં તેણે તેનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું હતું. મેઇડસ્ટોન ક્રાઉન કોર્ટ દ્વારા 43 વર્ષીય આસિફને 4 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.