લંડનઃ સડકો પર ગાબડાંના કારણે થતા નુકસાનના વળતર માટે કરાતા દાવાઓની સંખ્યા છેલ્લા એક વર્ષમાં બમણી થઇ ગઇ છે. આરએસીના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં સૌથી લાંબા રોડ નેટવર્ક ધરાવતી 18 લોકલ ઓથોરિટી સમક્ષ વળતર માટે 20,432 દાવા રજૂ કરાયા હતા. વર્ષ 2022માં આ પ્રકારના દાવાની સંખ્યા 8,327 હતી.
દુર્ભાગ્યની વાત તો એ છે કે 17 કાઉન્સિલે આ દાવા પૈકીના ફક્ત 15 ટકા દાવામાં જ વળતરની ચૂકવણી કરી હતી જ્યારે પાંચ કાઉન્સિલે તો 90 ટકા કરતા વધુ દાવા નકારી કાઢ્યા હતા. કાઉન્સિલોને સવાલ કરાયો હતો કે સડક પર રહેલા ગાબડા અંગે જાણકારી નથી તેવું કારણ આપીને તમે કેટલા દાવા નકારી કાઢ્યા હતા. જવાબમાં 9 કાઉન્સિલે જણાવ્યું હતું કે, આ કારણ આપીને 74 ટકા દાવા નકારી કાઢવામાં આવ્યા હતા. 13 કાઉન્સિલે જણાવ્યું હતું કે, તેમણે વાહનચાલકોના દાવાઓ સામે લડવા માટે વકીલોને લીગલ ફી પેટે 1,66,000 પાઉન્ડ ચૂકવ્યા હતા.
આરએસીના પોલિસી હેડ સાયમન વિલિયમ્સે જણાવ્યું હતું કે, અમારા અભ્યાસનું તારણ એ છે કે સ્થાનિક સડકોની બદતર સ્થિતિ કાઉન્સિલની તિજોરી પર ભારે બોજારૂપ બની રહી છે. જોકે તેમણએ આગામી વર્ષથી સ્થાનિક સડકોની મરામત અને જાળવણી માટે સરકાર દ્વારા વધારાના 500 મિલિયન પાઉન્ડ ફાળવવાના નિર્ણયને આવકાર્યો હતો.