સદ્ગત પંકજભાઇ ત્રિવેદીને ૧૦ પુણ્યતિથિએ જુના સ્વાધ્યાયીઓએ અંજલિ આપી

Wednesday 29th June 2016 07:58 EDT
 

સદ્ગત પંકજભાઇ ત્રિવેદીની ૧૦ પુણ્યતિથિએ નોર્થ લંડનમાં જુના સ્વાધ્યાયીઓએ એક પ્રાર્થના સભાનુ આયોજન કર્યું હતું. આ સભામાં અતિથી વિશેષ તરીકે શ્રી સી.બી પટેલ (તંત્રી શ્રી, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ યુકે), શ્રી લાલુભાઇ પારેખ (પ્રેસીડન્ટ, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બી.જે.પી અને હિન્દુ સંગઠનના સભ્ય) અને શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ (જુના અગ્રણી સ્વાધ્યાયી, અમદાવાદના ભાવનિર્ઝર મંદિરના પુજારી અને સ્વ પંકજ ત્રિવેદીના નજીકના સ્વાધ્યાયી મિત્ર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોએ દીપ પ્રકટાવી સ્વ. પંકજભાઇ ત્રિવેદીને શ્રંધ્ધાજલી આપી સભાની શરુઆત કરી હતી.

આ સભાને વડોદરાથી ભારતના વર્તમાન નર્મદ, જેમને પ. પૂ. મોરારીબાપુ વિચારોના આચાર્ય કહે છે તેવા પદ્મશ્રી ગુણવંતભાઈ શાહે ફોન દ્વારા પંકજભાઈની શહાદતને 'વીર પંકજ' કહીને શ્રંધ્ધાજલી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તેઓ દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિથી ખુશ હતા અને છે, પરંતુ છેલ્લા ૧૫ વરસથી સ્વાધ્યાયમાં જે જુલ્મો થયા તેનાથી તેઓ વ્યથીત છે. પંકજભાઇ બાબતે ગુજરાતના સૌથી વધારે લખનાર તેઓ એક માત્ર લેખક છે. 'આરપાર' મેગેઝીનના તંત્રી મનોજભાઇ ભિમાણીએ યોજેલ સ્વ. પંકજભાઈ ત્રિવેદીની પ્રાર્થના સભામાં પણ ગુણવંતભાઇએ ફોન દ્વારા શ્રધ્ધાંજલી આપી હતી. તેમણે યાદ કરીને સ્વામિ સચ્ચિદાનંદજી ને યાદ કરેલ, સાથે સી.બી પટેલને નામથી જણાવેલ કે આજના હિન્દુધર્મમાં અધર્મ એટલો મોટો છે કે તેનો નાશ કરવા જે પ્રયત્ન થઈ રહ્યા છે તે પોદળા ઉપર અગરબત્તી મૂકવા બરાબર છે. પોદાળાની ભયંકર દુર્ગધનો નાશ કરવા, તેની ઉપર મૂકેલી સુગંધીત અગરબત્તી કામ કરતી નથી. તેમાં અગરબત્તી હારી જાય છે અને પોદળો જીતી જાય છે. પંકજભાઈની શહાદતને "વીરપંકજ" તરીકે ઓળખાવી, સભામાં હાજર રહેલા લોકોને બિરદાવતા જણાવેલ કે આજની સભામાં હાજર રહી પ્રાર્થના કરવાનુ જેમને મન થયુ છે એવા તમારા જેવા લોકો જ હિન્દુ ધર્મને બચાવશે.

આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ વ્યાસે જણાવેલ કે સ્વ. પંકજ ત્રિવેદી દાદાના ખૂબ જ પ્રિય સ્વાધ્યાયી હતા. દાદા પંકજભાઇને 'કેપ્ટન' કહીને બોલાવતા. તેઓ કદાવર અને સાડા છ ફુટની ઉચાઇ ધરાવતા હતા, હુમલાખોરોએ જ્યારે પંકજભાઇ કારનો દરવાજો ખોલાવા જતા હતા ત્યારે પાછળથી તેમના માથા ઉપર પ્રહાર કરીને તેમની હત્યા કરી હતી. જો હત્યારાઅોએ સામે છાતીએ તેમને પડકાર્યા હોત તો તેઓ એકલે હાથે છ જણા સામે ઝઝુમી શકે તેવા બહાદુર હતા. તેમના પિતા પોલીસ ખાતામાં ડીવાયએસપી હતા અને તેમનો ઉછેર ખાડિયા, અમદાવાદમાં થયો હતો. જયારે સ્વાધ્યાય પરિવારના દીદીએ 'ભાવનિર્ઝર' યોગેશ્વર મંદિરને બંધ કરવા નિર્ણય કર્યો ત્યારે અનેક સ્વાધ્યાયીઓની શ્રધ્ધાને ઠેસ પહોચી. તે મંદિરને ખોલાવવાના આગ્રહ અને કચ્છ ભુકંપના ડોનેશનનમાં થયેલા કહેવાતા ભ્રષ્ટાચારનો અવાજ બુલંદ કરવાના કારણે જ પંકજભાઇની હત્યા કરવામાં આવી. આમ જુના સ્વાધ્યાયીઓના અત્યાચારોની વાતોને વાગોળતા અને પોતાના ઉપર પણ થયેલા અત્યાચારોની વિગતો તેમણે જણાવી હતી.

તેમની વાતો દરમિયાન સી.બી પટેલે પણ સવાલો પૂછી અનેક વાતો જાણવા પ્રયત્ન કરેલ. શ્રી વ્યાસે જણાવેલ કે 'આજે ભરુચ જીલ્લાના વાગરા તાલુકો દીદીથી સંપૂર્ણ મુકતપણે દાદાની સલાહ પ્રમાણે સ્વાધ્યાય પ્રવૃત્તી ચલાવે છે. તા૧૯/૧૦/૨૦૧૫ના રોજ ભવ્ય રીતે વાગરામાં "મનુષ્ય ગૌરવ દિન" ઉજવાયો હતો. જેના આચાર્યપદે તેઓ ખુદ હતા. હજારો સ્વાધ્યાયીઓએ તેમા ભાગ લીધો હતો. જે સંપૂર્ણપણે સ્વૈચ્છીક હતો. નિર્મલ નિકેતન મુંબઈ અને દીદીમુકત સ્વાધ્યાય તે હતો. દાદાએ જણાવેલ તે રીતે આ સ્વાધ્યાયીઅોએ ભગવાન યોગેશ્વરને પોતાના કાર્યના પ્રમુખ ઠેરવી આજે આખો તાલુકો સ્વતંત્ર ભગવાન યોગેશ્વરને ખુબજ ગમે તેવી રીતે કામ કરી રહ્યો છે. આ ઊનાળામાં તેમણે બાલ શિબિરો તથા યુવા શિબિરો કરી હતી. જેમા અસંખ્ય સ્વાધ્યાયીઓએ ભાગ લીધો. ખૂબ જ ભવ્ય રીતે દીદી મુકત સ્વાધ્યાય આજે ચાલી રહ્યો છે. જેમાં હજારો લોકો જોડાયેલા છે અને દાદાએ આપેલા વિચારો પ્રમાણે આ કાર્યમાં જે તેજસ્વિતા જોવા મળી રહી છે તે અદ્ભુત છે.

આ પ્રસંગે સી.બી પટેલે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે 'મારા અગાઉ માનનીય ગુણવંતભાઇ શાહ, શ્રી મહેન્દ્રભાઇ વ્યાસ અને અમેરિકાવાસી શ્રી માનવ શાહએ સ્વાધ્યાયની સ્થાપના, પૂ. દાદાનું અનુદાન, સિધ્ધી અને સંઘર્ષ તથા ખાસ કરીને વિવિધ વિષયો પર સુંદર રજૂઆત કરી છે. દાદાના છેલ્લા વર્ષોમાં વિવિધ પ્રકારના ગેર વહીવટ અને ટીકાકારો પ્રત્યે વૈમનસ્ય અને હિંસા ચિંતાજનક છે. જેમ કે વિનુભાઇ સચાણીયા પર કરાયેલ ગંભીર હુમલો અને અંતમાં પંકજભાઇ ત્રિવેદીની હત્યા, એ આપણી ધર્મભાવનાને સાવ શોભતું નથી. એટલું જ નહિં પરંતુ તે ધર્મધુરંધરોની ખૂબી અને ખામી દર્શાવે છે. પંકજ ત્રિવેદી તો જાણે કે કાદવમાં કમળ સમાન જીવી ગયા. તેઅો નિર્ભય, સિધ્ધાંત પરસ્ત અને સમર્પીત હતા.

ધર્મગુરૂઅો આપણને ઉપદેશ આપતા રહે છે. જેમાં મુલ્યવાન જીવનશૈલી તેમજ વિત્તેષણા, લોકેષણા અને પુત્રેષણાવિહીન સમાજની સુફીયાણી સલાહ અપાય છે. પરંતુ એવા કેટલાય ધર્મગુરૂઅોને આપણે જાણીએ છીએ કે તેઅો માત્રને માત્ર સંપત્તી અને અંધશ્રધ્ધાળુ અનુયાયીઅોના ટોળા અને તેમની ઉપર સત્તા જમાવવામાં જ રચ્યા પચ્યા રહે છે.

ગુરૂઅોના વિવિધ પ્રકારના સમારંભોમાં રાજકારણીઅો, ફીલ્મી હસ્તીઅો તેમજ સ્થાનિક સત્તાવાળાઅો ઉપસ્થિત થાય તેનાથી અંજાઇ જવાની કોઇ જરૂર નથી. વધુમાં શ્રી સી.બી. પટેલે ઉપસ્થિત સૌ કોઇને ખાસ વિનંતી કરી હતી કે આપણે સૌ અંધશ્રધ્ધા નિવારણ અભિયાન પોતીકી રીતે તો શરૂ કરી શકીએને? પ્રતિ સપ્તાહે એકથી પાંચ વ્યક્તિઅો અમુક શ્રધ્ધા અને સચ્ચાઇપૂર્વક, આતમવિશ્વાસ સહિત નિષ્ઠા દાખવી પંકજ ત્રિવેદી અને આવા બધા ગુરૂઅોના અપકૃત્યોની વાત કરીએ તો 'જ્યોત સે જ્યોત જલે' એ ન્યાયે સાચા અર્થમાં આપણા ધર્મ અને સંસ્કૃતિની સાચી સેવા ગણાશે. આપણા વેદ ઉપનિષદની પાયાની શિખ છે કે વ્યક્તિ પૂજા અસ્વીકાર્ય છે. છેલ્લા ૧૦ વર્ષથી વિનુભાઇ અને પરિવાર કેટલાક જોખમો હોવા છતાં પંકજભાઇ ત્રિવેદીની સ્મૃતિીને જે પ્રકારે અંજલિ આપતા રહે છે તે અને લંડનમાં અને દૂરના સ્થળેથી અત્રે જે ભાઇબહેનો આ પ્રાર્થના સભામાં જોડાયા તે ખૂબ જ આશાસ્પદ અને અવકાર્ય છે.

શ્રી લાલુભાઇ પારેખે આ બધી વાતો જાણીને કહ્યુ હતુ કે 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ, કોઇ વ્યક્તિ પૂજા નથી. આર.એસ.એસ.માં ભગવો ધ્વજ જ કાર્યનો પ્રમુખ હોય છે. કોઇ ફંડ ફાળો થતો નથી. જો તમો આર.એસ.એસ.માં હોત તો જે તકલીફો અને અત્યાચારો તમોએ સહન કર્યા તે કરવા પડત નહી.

આ કાર્યક્રમના અંતમાં વિનુભાઈ સચાણીયાએ જણાવ્યુ હતુ કે 'હું કયારેય પંકજભાઇને મળ્યો નથી. જયારે કરોડો રુપિયાનો સંગ્રહ થયો, ભાવનિર્ઝર મંદિર બંધ કરવામાં આવ્યુ, યોગેશ્વર ભગવાનની મૂર્તિનો કોપી રાઇટ થયો, એક નહિ પચાસથી વધારે ચેરીટી ટ્રસ્ટમાં પૈસાનો સંગ્રહ થયો, કચ્છ ભુકંપના ડોનેશનમાં ભ્રષ્ટાચાર થયો, જુના સ્વાધ્યાયીઓ ઉપર હિચકારા હુમલાઓ થવા લાગ્યા ત્યારે પંકજભાઇ ત્રિવેદીએ સ્વાધ્યાય વિરૂધ્ધ ફરીયાદો કરી. જે અવાજ ઉઠાવ્યો તે અવાજને દબાવવા સ્વાધ્યાયીઓએ અને ખાસ કરીને દીદી ભકતોએ જુલ્મો શરુ કર્યા. ખોટી પોલીસ ફરીયાદો, ખોટા કોર્ટ કેસો, ગુજરાતના પોલીસ ખાતાના ભ્રષ્ટ અમલદારોનો બરાબર ઉપયોગ કર્યો. જે તે વિસ્તારની પોલીસને વિશ્વાસમા રાખીને ગુનાહીત કાર્ય શરુ થવા લાગ્યા. પંકજભાઈ ત્રિવેદી, હિતુ ગાંધી, મહેશભાઈ શાહ, વિનુ સચાણિયા, વિનોદભાઇ શાહ, શંકરભાઈ ઠક્કર, સતિશ રૂધાણી જેવા અનેક કાર્યકરો જુલ્મી સિતમના શિકાર થયા. પણ દીદી ભકતો પંકજભાઇનો અવાજ દબાવી શક્યા નહી. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ શ્રી દિવાન સાહેબે સ્વાધ્યાય ટ્રસ્ટમાંથી રાજુનામુ આપી દીધુ અને પંકજભાઈની બાજુમા ઉભા રહ્યા.

પંકજભાઇએ તેમની સામેના બધાજ કેસો અને ફરીયાદોને ગુજરાત હાઇ કોર્ટમા પડકારતા તા. ૯ માર્ચ ૨૦૦૬ના રોજ ગુજરાત હાઇકોર્ટે સ્વ. પંકજભાઇ સામેની બધીજ ફરીયાદો એક ઝાટકે કાઢી નાખી સ્વાધ્યાય પરિવારને જબરદસ્ત તમાચો માર્યો. સ્વાધ્યાયીઓ સુર્પીમ કોર્ટ ગયા, ત્યાં પણ તેઅો ખરાબ રીતે હારી ગયા. તે તારીખ હતી ૧૧ મે, ૨૦૦૬. પંકજભાઈની હત્યાનું કાવત્રુ રચાઇ ચૂક્યુ હતુ. આ ચુકાદાના એક જ મહીનામાં તા. ૧૫ જુન ૨૦૦૬ના રોજ સ્વ. પંકજભાઈની માથા ઉપર પાછળથી ધા મારી અસુરોએ હત્યા કરી અને ત્યારથી તેમનો અવાજ વધુ બુલંદ થઈ ગયો.'

ગુજરાતના રીઢા રાજકારણીઓ, જેઅો મતના ભિખારીઓ હતા તે ચૂપ રહ્યા. પરંતુ પરાક્રમી સ્વામી સચ્ચિદાનંદજીએ આ હત્યાને બુલંદ અવાજે વખોડી. પત્રકાર મનોજભાઈ ભિમાણીએ કમાન હાથમાં લીધી. તા. ૫ જુલાઇ ૨૦૦૬ના રોજ અમદાવાદમાં એક વિરાટ શોક સભાનુ આયોજન થયું. જેમા લંડનથી સી.બી પટેલ પણ હાજર રહ્યા અને શૂરવીર લેખક શ્રી ગુણવંત શાહે ફોન ઉપર શ્રધ્ધાજલી આપી હતી.

પરિણામે ગુજરાતના પત્રકારો, ઇલેકટ્રોનિક માધ્યમો અને ટીવી ચેનલોએ આ કેસ એવો તો ચગાવ્યો કે જોત જોતામાં ૧૦ સ્વાધ્યાયીઓ જેલના સળિયા પાછળ જતા રહ્યા. ભારતના ન્યાયાલયની ઢીલી અને અયોગ્ય સિસ્ટમના કારણે આ કેસ હજુ કોર્ટ સમક્ષ ચાલવા માટે આવ્યો નથી. હત્યારાઓ અઢી વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન ઉપર છુટી ગયા. તેમને પણ સમજાઇ ગયુ કે તેઓ ઉશ્કેરણીના ભોગ બન્યા હતા અને આજે પસ્તાય છે.  હત્યા કરનારને ઇશ્વર સદબુધ્ધી આપે અને હત્યા કરાવનારને ભગવાન સજા આપે તેવી પ્રાર્થના સાથે પ્રાર્થના સભાનુ સમાપન કરવામાં આવ્યુ હતું.

પોદળા પર અગરબતી! ડો. ગુણવંત શાહ

ડો. ગુણવંત શાહે, પંકજભાઈ ત્રિવેદીની શહાદતને  "વીર પંકજ" તરીકે ઓળખાવી ટેલીફોન પર ટૂંકુ પણ માર્મિક પ્રવચન કર્યુ હતુ અને લંડનના શ્રોતાઓને તે ગમી ગયુ હતુ.

પ્રવચનના આપતા ગુણવંતભાઇએ એક રોકડી વાત કરી હતી કે,

'ગામમાં છાણનો પોદળો હોય અને તેના ઉપર કોઈ સળગેલી અગરબત્તી મૂકે તેથી કંઈ પોદળાની દુર્ગંધ દુર થતી નથી. ગંધ દૂર કરવા આખરે તો પોદળાને જ દુર કરવો પડે.

આજે ભારતમાં ઠેર ઠેર અંધશ્રધ્ધાના પોદળા દેખાય છે. એમાંય એન.આર.આઈ. મિત્રો તો, પોદળા પ્રત્યે ભારે પ્રેમ રાખાનારા જણાય છે. ભારતનો કોઈ લફંગો બાવો લંડન કે ન્યુયોર્ક પહોંચે ત્યારે એને પણ ઘણા અંધશ્રધ્ધાળું ભકતો મળી રહેતા હોય છે. આ મારો આક્ષેપ છે. તમોને તે આક્ષેપથી દુઃખ થાય તો મારો હેતું સિધ્ધ થયો ગણાય.

પંકજભાઇ ત્રિવેદીએ એક જ કામ કર્યુ, પોદળો દૂર કરવાનું. આપણા લોકોએ તેમની હત્યા થઈ ત્યારે પોદળાની નિંદા કરી પણ સમય ગયો તેમ શહિદ થનારા પંકજભાઇ ભૂલાતા ગયા. એમની હત્યાને મે તે દિવસોમાં "શહાદત" ગણાવી હતી.

"શહાદત" નો ખરો અર્થ શુ છે! "શહાદત" એટલે "સાક્ષીભાવ". મૃત્યુ પામનાર માણસ પોતાના આવી રહેલા મૃત્યુને સાક્ષીભાવે જુએ તો તે "શહાદત" ગણાય.

પંકજભાઇએ પોતાના ભાવિ મૃત્યુ અંગે માનસીક તૈયારી કરી રાખી હતી. તેથી હું તેના બલિદાનને "શહાદત" ગણુ છુ. આજે તમારા સૌની પ્રાર્થનામાં ગુજરાતથી મારો સૂર પુરાવું છુ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter