લંડનઃ સરકાર સન્ડે ટ્રેડિંગના કલાકો હળવા કરવાની વિવાદાસ્પદ સત્તાઓ સ્થાનિક કાઉન્સિલોને સોંપવાની દિશામાં આગળ વધી રહી છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે કરેલી જાહેરાત મુજબ આ અંગે એન્ટરપ્રાઈઝ બિલમાં સુધારાઓ મૂકાશે. આના પરિણામે કાઉન્સિલો વેપારના કલાકો વધારાયા હોય તેવા ઝોન જાહેર કરી શકશે. બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે નવી વ્યવસ્થાનો વિરોધ કર્યો છે. બીજી તરફ ટોરી મિનિસ્ટર બ્રાન્ડોન લુઈએ આ સુધારા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જ લાગુ કરાશે તેમ જણાવી નવો વિવાદ છેડ્યો છે.
વેપારના કલાકો વધારવાના મુદ્દે ૨૦ કન્ઝર્વેટિવ સાંસદોએ બળવો પોકારતા વડા પ્રધાન ડેવિડ કેમરનને મતદાન પડતું મૂકવાની ફરજ પડી હતી. હવે ત્રણ મહિના પછી એન્ટરપ્રાઈઝ બિલમાં સુધારાઓ કરવાની યોજના ઘડાઈ છે. સાંસદો અને કેટલાક રીટેઈલર્સ દ્વારા દરખાસ્તોનો વિરોધ છતાં બિઝનેસ સેક્રેટરીએ દુકાનો વધુ કલાક વેપાર કરી શકે તેવા ઝોન્સ જાહેર કરવાની સત્તા કાઉન્સિલ્સને આપવાના પગલાં જાહેર કર્યા છે. અત્યારે મોટી દુકાનો સવારે ૧૦થી સાંજના ૬ સુધી છ કલાક જ વેપાર કરી શકે છે, જ્યારે નાની દુકાનો માટે આવા નિયંત્રણો નથી.
ટોરી કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર બ્રાન્ડોન લુઈએ સ્પષ્ટ કર્યું છે કે સન્ડે ટ્રેડિંગ કાયદાઓનું ઉદારીકરણ માત્ર ઈંગ્લેન્ડ અને વેલ્સને જ લાગુ પડશે. આનો અર્થ એ થાય કે માત્ર ઈંગ્લિશ સાંસદો જ મતદાનમાં ભાગ લઈ શકશે. જોકે, આ વ્યવસ્થા ખરેખર લાગુ કરાશે તે અંગે પોતે ચોક્કસ ન હોવાનું જણાવી મિનિસ્ટરે કહ્યું હતું કે સુધારાઓને ટેકો આપવા સ્કોટિશ સાંસદોને સમજાવાશે.