લંડનઃ રવિવારે મોટી દુકાનો લાંબો સમય સુધી ખુલ્લી રાખવાની વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સાંસદોએ મતદાનમાં સન્ડે ટ્રેડિંગ લંબાવવાની સત્તા સ્થાનિક કાઉન્સિલોને સોંપવાનો પ્લાન ફગાવી દીધો છે. મહત્ત્વના મતદાન અગાઉ મિનિસ્ટરોએ કોમન્સમાં નવા સુધારા રજૂ કરવાની તજવીજ કરી હતી, પરંતુ ૩૧ મતની બહુમતીથી સરકારનો પરાજય થયો હતો. સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના તમામ ૫૪ સાંસદ અને લેબર પાર્ટીના સંસદોની સાથે અંદાજે ૨૬ ટોરી સાંસદો પણ સન્ડે ટ્રેડિંગ લંબાવવાના વિરોધમાં સામેલ થયા હતા. ચાન્સેલર ઓસ્બોર્ને ગત ઉનાળાના બજેટમાં પ્રસ્તાવિત ફેરફારો જાહેર કર્યા હતા. તેઓ આગામી બજેટ રજૂ કરે તેના ગણતરીના દિવસો પહેલા જ શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા છે.
હાલ મોટાં સ્ટોર્સ રવિવારે છ કલાક ખુલ્લાં રાખવાની મર્યાદા છે. બજેટ અગાઉ સન્ડે ટ્રેડિંગ કાયદાઓ ઉદાર બનાવવા ચાન્સેલર ઓસ્બોર્નની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે. સ્કોટલેન્ડમાં તો સ્ટોર્સ રવિવારે લાંબો સમય ખુલ્લાં રહી શકે છે. સૂચિત નવા કાયદાની સીધી અસર સ્કોટલેન્ડને લાગુ થવાની ન હોવાં છતાં યોજનાનો વિરોધ કરવાના SNPના નિર્ણયથી સરકારનો પરાજય નિશ્ચિત બન્યો હતો. બિઝનેસ મિનિસ્ટર સાજિદ જાવિદે કહ્યું હતું કે તેઓ સન્ડે ટ્રેડિંગના વિરોધીઓનું સૈદ્ધાંતિક સન્માન કરે છે, પરંતુ તેમણે SNPના વિરોધને ‘બાલિશ અને દંભી’ ગણાવ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે સ્કોટિશ પાર્ટીએ અગાઉ ટેકો ઓફર કર્યો હતો.
ટોરી બળવો સરકાર માટે શરમજનક પરાજય
સરકાર સામે બળવો નહિ કરવાનું સમજાવવા કેમરન અને ઓસ્બોર્ને બળવાખોર સાંસદો સાથે ખાસ બેઠક યોજી હતી. વિજયની તક મજબૂત બનાવવા સરકારે મેટરનિટી લીવ પર ગયેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટર ટ્રેસી કાઉચને યોજનામાં સાથ આપવા ખાસ બોલાવ્યાં હતાં. તેઓ પોતાનાં નવજાત બાળક સાથે કોમન્સમાં હાજર રહ્યાં હતાં. પરાજય નજર સામે હતો ત્યારે સરકાર દ્વારા પાઈલોટ યોજનાઓ ઓફર કરવાના સુધારાઓ પર ચર્ચા કે મતદાન કરાયું ન હતું. સ્પીકર જ્હોન બેર્કોએ ચર્ચામાં ‘મેન્યુસ્ક્રીપ્ટ એમેન્ડમેન્ટ’ દાખલ કરવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
લેબર પાર્ટીના સૂત્રે જણાવ્યું હતું કે, ‘જ્યોર્જ ઓસ્બોર્નના સન્ડે ટ્રેડિંગ કાયદામાં ફેરફાર મુદ્દે સરકારની આ મમોટી હાર છે.’
ટોરી સાંસદો ‘અપવિત્ર જોડાણ’ માટે તૈયારઃ બરોસ
બળવાખોર ટોરી સાંસદ ડેવિડ બરોસે જણાવ્યું હતું કે બળવાખોર ટોરી સાંસદો સરકારની યોજના નિષ્ફળ બનાવવા ‘અપવિત્ર જોડાણ’માં સામેલ થશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ યોજના અવરોધવા અને ‘રવિવારને સ્પેશિયલ રાખવા’ માટે તેઓ SNP અને જેરેમી કોર્બીનની લેબર પાર્ટી સાથે ‘અનહોલી એલાયન્સ’નો હિસ્સો બનવા તૈયાર છે. બરોસે બીબીસીને જણાવ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તો આ વર્ષોથી ચાલે છે, તે સારું સમાધાન છે. આ તેમની સાથે વાજબી અપવિત્ર જોડાણ છે. મૂળ તો SNPની વાત નથી, પરંતુ સરકાર કન્ઝર્વેટીવ્ઝ અને સમગ્ર પક્ષોની વ્યાપક ચિંતાને કેવી રીતે હલ કરશે તે મહત્ત્વનું છે.’
બરોસે ચેતવણી આપી હતી કે એમ્પ્લોયર્સ તો કર્મચારીઓ વધુ સમય કામ કરવા ઈચ્છુક હોય તેને આવકારશે, પરંતુ વર્કર્સ પર તેની ‘ડોમિનો’ ઈફેક્ટ થશે. વર્તમાન યોજના ‘તળિયે પહોંચવાની હોડ ઉભી કરશે અને મોટા ભાગના સ્થળો લાંબો સમય ખુલ્લાં રહેશે.’ તેમણે એવો સંકેત આપ્યો હતો કે તેઓ ચોક્કસ સ્થળોએ પાઈલોટ સ્કીમ્સને ટેકો આપી શકે છે. જોકે, SNPનો વિરોધ ચોન્સેલર ઓસ્બોર્નની યોજનાને ફટકો મારી શકે છે.
સ્કોટિશ પાર્ટીએ નિર્ણયનો બચાવ કર્યો
વેસ્ટમિન્સ્ટરમાં SNPના ડેપ્યુટી લીડર સ્ટુઅર્ટ હોઝીએ ઈંગ્લિશ અને વેલ્શ પરિવારો માટે શોપિંગ કલાકો મર્યાદિત રાખવાના પક્ષના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે SNPસન્ડે ટ્રેડિંગની સમર્થક છે, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તે સારી વાત છે. જોકે, અમે એ વિશે સ્પષ્ટ છીએ કે સ્કોટલેન્ડ અને સમગ્ર યુકેમાં દુકાનોમાં ઓછાં પગારના કર્મચારીઓના જોખમે આમ થવું ન જોઈએ. સન્ડે ટ્રેડિંગની સરકારની યોજનાનો વિરોધ કરવાના નિર્ણય પાછળ સ્કોટિશ વર્કર્સનું રક્ષણ સર્વોપરી છે.’ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વેપારના લાંબા કલાકો સ્કોટિશ વર્કર્સ માટે પગારકાપ તરફ દોરી જાય તેવો ભય છે કારણકે ઘણાને એન્ટ-સોશિયલ કલાકો કામ કરવા સ્વૈચ્છક પ્રીમિયમ અપાય છે. રવિવારે કામ કરતા સ્કોટિશ શોપ આસિસ્ટન્ટ્સને એમ્પ્લોયર્સની શુભેચ્છાના પ્રતીક તરીકે વર્ષે વધારાના સરેરાશ ૧,૩૦૦ પાઉન્ડ મળતાં હોય છે.