લંડનઃ શનિવારથી ત્રાટકેલા ચક્રવાતી તોફાન બર્ટે સમગ્ર યુકેમાં હાહાકાર મચાવ્યો હતો. સ્કોટલેન્ડ અને ઉત્તર-મધ્ય ઇંગ્લેન્ડના વિસ્તારોમાં ભારે હીમવર્ષા થઇ હતી જ્યારે દક્ષિણ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ભારે વરસાદે ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હતું. ઘણા વિસ્તારોમાં 130 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતૂર બની હતી. ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 130 કરતાં વધુ ફ્લડ એલર્ટ જારી કરાઇ હતી. ઠેર ઠેર પાણી ભરાઇ જવાના પગલે રેલવે સેવાઓ ખોરવાઇ હતી અને સંખ્યાબંધ સડકો બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર બ્રિટનમાં વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.