એપિયા, સમોઆઃ સમોઆમાં આયોજિત કોમનવેલ્થ શિખર સંમેલનમાં કિંગ ચાર્લ્સને બ્રિટનના સંસ્થાનવાદી ભૂતકાળને યાદ કરવાની માગનો સામનો કરવો પડ્યો હતો. સંમેલનમાં ગુલામીપ્રથામાં બ્રિટનની ભાગીદારી મુખ્ય ચર્ચાનો વિષય બની રહી હતી. કોમનવેલ્થના 56 દેશોના આગેવાનો, વિશેષ કરીને કેરેબિયન અને આફ્રિકન દેશોના નેતાઓએ ગુલામી પ્રથાનો ભોગ બનેલા દેશોને આર્થિક વળતર ચૂકવવાની માગ કરી હતી. તેઓ ઇચ્છે છે કે સમિટમાં ગુલામી પ્રથાનો ભોગ બનેલા દેશોને ન્યાય માટે ચર્ચા કરવામાં આવે.
બહામાસના વડાપ્રધાન ફિલિપ ડેવિસે જણાવ્યું હતું કે, ભૂતકાળ પરની ચર્ચા અત્યંત મહત્વની છે. ઇતિહાસમાં કરાયેલી ભૂલોને કેવી રીતે સુધારી શકાય તેના પર ચર્ચા કરવાનો સમય આવી ગયો છે. આ ચર્ચા સરળ નહીં હોય પરંતુ મહત્વની તો છે જ. ગુલામી પ્રથાએ અમારા સમુદાયોની પેઢીઓને રૂઝાય નહીં તેવા ઘા આપ્યા હતા. ન્યાય અને વળતર માટેની લડાઇ પૂરી થઇ નથી.
ગુલામી પ્રથા માટે ન્યાયની માગ કરતો ઠરાવ કોમનવેલ્થ દેશોના નેતાઓએ પસાર કર્યો
યુકેના ઇનકાર છતાં કોમનવેલ્થ દેશોના નેતાઓએ ગુલામી પ્રથા માટે ન્યાય મેળવવા ઠરાવ પસાર કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુલામી પ્રથાનો ભોગ બનેલા દેશોને ન્યાય મળવો જોઇએ. કોમનવેલ્થ દેશોના નેતાઓની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવને યુકે માટે મોટા ફટકાસમાન ગણવામાં આવી રહ્યો છે. કોમનવેલ્થ સમિટ બાદ પત્રકારોને સંબોધન કરતા બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે ડણાવ્યું હતું કે, અમે ચર્ચા માટે સંમત છીએ પરંતુ આર્થિક વળતર પર કોઇ ચર્ચા કરાશે નહીં. આ મામલે અમે સ્પષ્ટ છીએ. જોકે કોમનવેલ્થ દેશોના નેતાઓએ યુકેના વલણનો વિરોધ કરતા ન્યાયની માગ કરતા ફકરાને સમિટના નિવેદનમાં સામેલ કરાવ્યો હતો.
આપણે ભૂતકાળને બદલી શક્તાં નથી પરંતુ પદાર્થપાઠ શીખી શકીએ છીએઃ કિંગ ચાર્લ્સ
આ પ્રસંગે સંબોધન કરતાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાંથી ઉઠી રહેલા અવાજોને હું સમજી શકું છે. અમારા ભૂતકાળના સૌથી પીડાદાયક પ્રસંગો ઉભરી રહ્યાં છે. અમે અમારા ઇતિહાસને સમજીએ છીએ જેથી ભવિષ્યમાં યોગ્ય પસંદગીઓ કરી શકાય. આપણામાંથી કોઇ ભૂતકાળને બદલી શક્તો નથી પરંતુ તેમાંથી પદાર્થપાઠ શીખીને આપણે અસમાનતાઓ દૂર કરવાના રચનાત્મક માર્ગ શોધી શકીએ છીએ.
ભવિષ્ય ભૂતકાળના ઓછાયામાં રહેવું જોઇએ નહીઃ સર કેર સ્ટાર્મર
સમોઆમાં કોમનવેલ્થ સમિટને સંબોધન કરતાં બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગુલામી પ્રથા માટે યુકે દ્વારા કોઇ વળતર ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કોમનવેલ્થના નેતાઓને જણાવ્યું હતું કે, ભવિષ્ય ભૂતકાળના ઓછાયામાં હોવું જોઇએ નહીં. કોમનવેલ્થના નેતાઓ ભૂતકાળના બદલે ભવિષ્ય તરફ નજર નાખે. તેમણે જણાવ્યું હતું કે, યુકે માને છે કે ભવિષ્ય ભૂતકાળના ઓછાયામાં ન રહે તે સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરીને પરસ્પરના સન્માન અને ગૌરવની જાળવણી સૌથી અસરકારક માર્ગ છે. અમે આગામી વર્ષે યુકે-કેરેબિયન ફોરમનું પણ આયોજન કરી રહ્યાં છીએ.
આર્થિક સિવાયનું વળતર ચૂકવવા બ્રિટન વિચારણા કરી શકે
બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે ગુલામી પ્રથામાં બ્રિટનની ભુમિકા માટે આર્થિક સિવાયના વળતરને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આપણી પેઢી ગુલામી પ્રથાને ધિક્કારે છે. આપણે આપણા ઇતિહાસની ચર્ચા કરવી જોઇએ પરંતુ આપણે તેને બદલી શક્તાં નથી. યુકેએ માફી માગવી જોઇએ કે વળતર ચૂકવવું જોઇએ તેવા એક સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ગુલામી પ્રથાના સંબંધમાં માફી માગી લેવામાં આવી છે.
ગુલામી પ્રથા માટે ભારતને વળતર ચૂકવવાની ક્ષમતા બ્રિટનમાં નથીઃ જોશુઆ સેટિપા
કોમનવેલ્થના આગામી જનરલ સેક્રેટરી પદ માટેના એક ઉમેદવારે જણાવ્યું છે કે સંસ્થાનવાદ અને ગુલામી પ્રથાના કારણે ભારતને વળતર માટે એટલી મોટી રકમ ચૂકવવી પડે જે યુકે પાસે નથી. લિસોથોના પૂર્વ ટ્રેડ મિનિસ્ટર જોશુઆ સેટિપાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થે સંસ્થાનવાદ અને ગુલામી પ્રથાની અસરોનું મૂલ્યાંકન કરવું જોઇએ.
કેરેબિયન દેશો પણ બ્રિટિશ સરકાર પાસે વળતરની માગ કરી રહી છે. બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલીએ જણાવ્યું છે કે નવી વૈશ્વિક વ્યવસ્થાના ભાગરૂપે વળતર ચૂકવાવું જોઇએ. જોકે સ્ટાર્મર સરકાર વળતર ચૂકવવાનો ઇનકાર કરી ચૂકી છે.
સેટિપાએ જણાવ્યું હતું કે વળતરની માગે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ મુદ્દા પર રાજકીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે કોમનવેલ્થ જ યોગ્ય મંચ છે. જો બ્રિટને ભારતને વળતર ચૂકવવુ પડે તો એટલા નાણા બ્રિટનની તિજોરીમાં નથી.
કિંગ ચાર્લ્સ સાથે કિરન રિજિજુની મુલાકાત
સમોઆ ખાતે કોમનવેલ્થ સમિટમાં ભાગ લઇ રહેલા 56 કોમનવેલ્થ દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ માટે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. સમિટમાં ભાગ લેવા પહોંચેલા ભારતના સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી તે સમયની તસવીર.