લંડનઃ પૂર્વ વડા પ્રધાન સર નિક ક્લેગને ફેસબૂકના ગ્લોબલ એફેર્સ અને કોમ્યુનિકેશન ટીમના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફેસબૂકના સ્થાપક વડા માર્ક ઝૂકરબર્ગ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ અંગત રીતે ક્લેગની નિમણૂક સાથે સંકળાયેલા છે. સર નિકે જણાવ્યું હતું કે કંપની સાથે જોડાવામાં તેઓ આનંદ અનુભવી રહ્યા છે.
ફેસબૂક વપરાશકારોની અંગત માહિતીની અસલામતી, કેમ્બ્રીજ એનાલિટીકા કૌભાંડ, ચૂંટણીઓમાં હસ્તક્ષેપ અને વોટ્સએપ હસ્તગત કરવા મુદ્દે યુરોપીય અધિકારીઓને અવળે માર્ગે દોરવા સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે દંડનો સામનો કરી રહેલ છે ત્યારે સર નિક ક્લેગ તેના સંકટમોચક બની રહેશે તેવી આશા ફેસબૂક ધરાવે છે. કોર્પોરેટ વિશ્વમાં સોશિયલ નેટવર્ક માટે કોમ્યુનિકેશન્સ પોર્ટફોલિયો સંભાળવો તે સૌથી ખરાબ કામ છે. નોંધપાત્ર પ્રતિભા સાથે પણ સર નિક માટે ફેસબૂકની ખરડાયેલી છબી સુધારવા અને કેમ્યુનિકેશન્સનું સંચાલન કરવાનું સૌથી મોટો પડકાર બની રહેશે.
પોતાની નવી ભૂમિકા વિશે ક્લેગે જણાવ્યું હતું કે મેં જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરેલો છે. નવીન ભૂમિકામાં આ અનુભવનો ઉપયોગ કરી વધુ સારું પરિણામ આપી શકીશ. લિબરલ ડેમોક્રેટ્સના પૂર્વ નેતા ક્લેગે કન્ઝર્વેટિવ પાર્ટીના ડેવિડ કેમરનની સાથે ૨૦૧૦માં ગઠબંધન સરકાર રચી હતી અને ૨૦૧૫ સુધી યુકેના બીજા ક્રમના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બની રહ્યા હતા. ૨૦૦૫થી ૨૦૧૭ સુધી સાંસદ રહેલા ક્લેગે ૨૦૧૫ની ચૂંટણીમાં પાર્ટીના રકાસ પછી નેતાપદેથી રાજીનામું આપી દીધું હતું. યુકે સરકારના હિસ્સા તરીકે રાજકીય અનુભવ અને યુરોપીય સંસદના પૂર્વ સભ્ય તરીકે તેઓ રેગ્યુલેટર્સને કેવી રીતે દૂર રાખવા તે વિશે સારી સલાહ આપી શકે તેમ છે.
સર નિક ક્લેગના જણાવ્યા અનુસાર તેઓ ગત થોડા વર્ષોથી ટેકનોલોજી અને પોલિટિક્સના અગ્રમોરચે કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘જો ટેક ઈન્ડસ્ટ્રી વિશ્વભરમાં સરકારો, રેગ્યુલેટર્સ, પાર્લામેન્ટ્સ અને નાગરિક સમાજ સાથે યોગ્યપણે કાર્ય કરી શકે તો ઈરાદા વિનાના ગેરલાભોને ઘટાડવા સાથે ટેકનોલોજીના ફાયદાને આપણે વધારી શકીએ.’ સર નિકે અગાઉ યુકેના અનેક વર્તમાનપત્રોમાં ફેસબૂક વિશે લેખ લખ્યા છે.
ફેસબૂક ખાતે વરિષ્ઠ પદ ધારણ કરનારા ક્લેગે પ્રથમ લિબરલ ડેમોક્રેટ નથી. લોર્ડ એલાન ઓફ હાલ્લામ હાલ કંપનીના યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકા માટે જાહેર નીતિના વડા તરીકે કામગીરી બજાવે છે.