લંડનઃ પહેલીવાર મકાન ખરીદી રહેલા લોકોને બેન્કો સરળતાથી ધીરાણ આપી શકે તે માટે સરકાર મોર્ગેજ નિયમો સરળ બનાવવાની હિમાયત કરી રહી છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને લખેલા પત્રમાં ટ્રેઝરી મિનિસ્ટરોએ જણાવ્યું છે કે પહેલીવાર મકાન ખરીદનાર લેન્ડર પાસેથી કેટલી મર્યાદામાં ધીરાણ પ્રાપ્ત કરી શકે તે માટેના નિયમોમાં ઝડપી બદલાવ કરાય તેમ અમે ઇચ્છીએ છીએ. ટ્રેઝરીએ એ વાતને પણ સમર્થન આપ્યું છે કે તે ટૂંકસમયમાં કાયમી મોર્ગેજ સ્કીમ અંગે તૈયારી કરી રહી છે. આ સ્કીમમાં મકાન ખરીદનાર પ્રોપર્ટીની વેલ્યૂના ફક્ત પાંચ ટકા જમા કરાવીને પ્રોપર્ટી ખરીદી શકશે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા મુખ્ય વ્યાજદરમાં ઘટાડો કરાતાં ધીરાણ કંપનીઓ દ્વારા મોર્ગેજ દરમાં ઘટાડાનો પ્રારંભ થયો છે. બે મોટા લેન્ડર્સ દ્વારા ગયા સપ્તાહમાં 4 ટકા કરતાં ઓછો મોર્ગેજ દર ધરાવતી ડીલ્સની શરૂઆત બાદ આ સેક્ટરમાં ગળાકાપ સ્પર્ધાનો પ્રારંભ થશે જેનો સીધો લાભ મકાન ખરીદવા ઇચ્છતા લોકોને થશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા બેઝ રેટમાં વધુ ઘટાડાની સંભાવના જોતાં મોર્ગેજ પ્રોવાઇડર્સમાં વ્યાજદરોમાં ઘટાડાનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે.
સેન્ટેન્ડર અને બાર્કલેઝ દ્વારા 4 ટકા કરતાં ઓછા મોર્ગેજ દરની ડીલ્સ શરૂ કરાઇ છે. પરંતુ આ ડીલ્સ તમામ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેના માટે તગડી ફી પણ ચૂકવવી પડશે. ગયા નવેમ્બર પછી પહેલીવાર આટલા ઓછા દર સાથેની ડીલ ઉપલબ્ધ બની રહી છે.
હાલમાં સમગ્ર મોર્ગેજ માર્કેટમાં બે વર્ષ માટેની ફિક્સ્ડ ડીલનો સરેરાશ દર 5.48 ટકા છે જ્યારે પાંચ વર્ષની ડીલ માટેનો દર 5.29 ટકા છે. મોર્ગેજ લેવા ઇચ્છનારા ગ્રાહકો લાંબા સમયથી દરોમાં ઘટાડાની માગ કરી રહ્યાં છે. હવે મોર્ગેજ દરોમાં ઘટાડાનો પ્રારંભ થયો છે. જેમના મોર્ગેજનો રિન્યુઅલ સમય પાસે આવ્યો છે તેઓ નવી ડીલ પર વિચારણા કરી શકે છે.