લંડનઃ યુકેમાં પહેલીવાર વિદેશી અપરાધીઓની રાષ્ટ્રીયતાની જાહેરાત કરાશે. હોમ સેક્રેટરી કૂપરે અધિકારીઓને આંકડા અને માહિતી જાહેર કરવાના આદેશ આપ્યા હોવાનું મનાય છે. જેમાં વિદેશી અપરાધીઓએ આચરેલા ગુનાઓની માહિતી પણ હશે.
2024ના અંત સુધીમાં 19,000 વિદેશી અપરાધી દેશનિકાલનો સામનો કરી રહ્યાં હતાં. જુલાઇ 2024માં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઇ ત્યારે આ આંકડો 18,000 હતો. 12 મહિના કે તેથી વધુ જેલની સજા પ્રાપ્ત કરનાર વિદેશી નાગરિકો આપોઆપ દેશનિકાલને લાયક બની જાય છે. તે ઉપરાંત કોઇ વિદેશી અપરાધીને ઓછી સજા થઇ હોય પરંતુ યુકેમાં તેની હાજરી ભયજનક હોય તો પણ હોમ સેક્રેટરી તેને દેશનિકાલ કરવાનો નિર્ણય લઇ શકે છે.
હોમ ઓફિસનો આરોપ છે કે જેલો પરનું દબાણ ઓછું કરવા માટે કેટલાક કેદીઓને વહેલા મુક્ત કરાતાં દેશનિકાલની રાહ જોઇ રહેલા વિદેશી અપરાધીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે લેબર પાર્ટી સત્તામાં આવ્યા બાદ દેશનિકાલ કરાતા વિદેશી અપરાધીઓની સંખ્યામાં વધારો થયો છે.