લંડનઃ તાજેતરમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં ફોટો ઓળખપત્રના નિયમોના કારણે મોટી સંખ્યામાં મતદારો મતદાનથી વંચિત રહ્યાં હતાં. નવી આવેલી લેબર સરકારે જણાવ્યું છે કે તે ફોટો આઇડી કાયદાઓની સમીક્ષા કરીને તેને નાબૂદ પણ કરી શકે છે. ટોરી સરકારે આ કાયદા 2022માં અમલી બનાવ્યાં હતાં.
જોકે લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં વોટર આઇડી કાયદા રદ કરવાની કોઇ વાત કરી નહોતી પરંતુ હવે તેણે જણાવ્યું છે કે અમે આ કાયદાની સંપુર્ણ સમીક્ષા કરીશું. જોકે કાયદાને સંપુર્ણપણે નાબૂદ કરવા પર હજુ સરકારે સ્પષ્ટ વાત કરી નથી. તેણે ફક્ત સંભાવના જ વ્યક્ત કરી છે.
આંકડા અનુસાર લંડનમાં મેયરની ચૂંટણી દરમિયાન ફોટો ઓળખપત્ર વિનાના જે મતદારોને પાછા કઢાયાં હતાં તેમાં દર 10માંથી 3 મતદાન કરવા પરત આવ્યાં જ નહોતાં. સરકારે જણાવ્યું છે કે આ આંકડા ખરેખર ચિંતાજનક છે. તેથી અમે હવે આ નિયમોની સંપુર્ણ સમીક્ષા કરવા જઇ રહ્યાં છીએ. સરકાર લોકશાહીને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.