લંડનઃ યુકેમાં ખાનગીકરણના 9 વર્ષના સૌથી મોટા નિર્ણયમાં આગામી ઈલેક્શન અગાઉ સરકાર હસ્તકની ચેનલ 4 (C4)નું ઓછામાં ઓછાં 1 બિલિયન પાઉન્ડમાં વેચાણ કરવામાં આવનાર છે. કલ્ચરલ સેક્રેટરી નાડિન ડોરીસે જણાવ્યું હતું કે આ વેચાણથી ચેનલ 4ને વિકાસની આઝાદી મળશે અને નેટફ્લિક્સ અને એમેઝોનને પડકાર આપી શકશે. જોકે, 1982માં સ્થાપિત C4 નો સ્ટાફ આ નિર્ણયથી રાજી નથી અને તેને પડકારી શકે છે.
ચેનલ 4ના સૌથી જાણીતા કાર્યક્રમોમાં ધ ગ્રેટ બ્રિટિશ બેક ઓફ, ગૂગલબોક્સ, હોલીઓક્સ અને બીગ ફેટ ક્વિઝનો સમાવેશ થાય છે. ચેનલ 4ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી નિરાશા ઉપજી છે પરંતુ, બ્રિટનના સર્જનાત્મક પર્યાવરણ અને રાષ્ટ્રીય જીવનમાં અનોખો હિસ્સો બની રહેલી ચેનલ 4 પોતાની ભૂમિકા ભજવતી રહેશે અને આ પ્રક્રિયામાં સરકારના સતત સંપર્કમાં રહેશે. પ્રવક્તાના જણાવ્યાનુસાર સરકારના પબ્લિક કન્સલ્ટેશનમાં આ દરખાસ્તના વિરોધમાં 60000થી વધુ રજૂઆતો કરાઈ હતી પરંતુ, સરકારે તેને ધ્યાનમાં લીધું નથી.
મિનિસ્ટર્સનું કહેવું છે કે સરકારની માલિકી C4ને બાંધી રાખે છે અને બ્રોડકાસ્ટરનું ખાનગીકરણ કરાવાથી તેના અવરોધો દૂર થશે. C4 હાલ સરકારની માલિકીની છે અને એડવર્ટાઈઝિંગ થકી ભંડોળ પ્રાપ્ત કરે છે. તાજેતરમાં ચેનલ દ્વારા ભાવિ નાણાકીય સ્થિરતાને સુરક્ષિત રાખતો ખાનગીકરણ વિરુદ્ધનો વિકલ્પ પણ ડિપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) સમક્ષ રજૂ કરાયો હતો. ચેનલના ખાનગીકરણની દરખાસ્તને લાંબી બંધારણીય પ્રક્રિયા અને રાજકીય ચર્ચામાંથી પસાર થવું પડશે.