સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનને બ્રિટિશ ટીઅર-૫ વિઝા નહિ અપાતા વિવાદ

Tuesday 16th August 2016 10:18 EDT
 
 

લંડન,નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ૧૬થી ૧૮ તારીખોએ રોયલ ફેસ્ટિવલ હોલ, લંડનમાં સાઉથબેન્ક સેન્ટર દ્વારા આયોજિત ભારતીય શાસ્ત્રીય સંગીતના વાર્ષિક દરબાર ફેસ્ટિવલ માટે ૭૦ વર્ષીય પદ્મવિભુષણ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનને ટીઅર-૫ વિઝા નહિ અપાતા વિવાદ સર્જાયો છે. સતત ૩૦થી વધુ વર્ષોથી બ્રિટનમાં પરફોર્મ કરતા રહેલા ઉસ્તાદે આઘાત સાથે આક્ષેપ લગાવ્યો હતો કે ‘મારી અટક ખાન હોવાના કારણે વિઝા અપાયા નથી. ઈસ્લામોફોબિયાનું આ દેખીતું ઉદાહરણ છે.’ જોકે, યુકે સરકારના પક્ષે વહીવટી ખામી હોવાની શક્યતા વધુ છે.

ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ઉસ્તાદ અમજદ અલી ખાનનો સંપર્ક સાધી યુકે સરકારમાં ઉચ્ચ કક્ષાએ વાત કરવાની ખાતરી આપી હતી. જોકે, માત્ર ખાનને નહિ, હિન્દુસ્તાની પદ્મભુષણ ગાયકબંધુ રાજન અને સાજન મિશ્રાને પણ આ વિઝા નકારાયા છે. યુકેના વિઝા વિભાગ અરજીપત્રમાં આંતરરાષ્ટ્રીય સંગીતકારો માટે ટીઅર-૫ વિઝા જારી કરવાના નિયમોની સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહ્યો છે.

લેબર સાંસદ અને હોમ એફેર્સ કમિટીના અધ્યક્ષ કિથ વાઝ પણ ઉસ્તાદને વહારે આવ્યા છે. તેમણે વિઝા નકારવાના નિર્ણયની પુનઃ સમીક્ષા કરવા માગણી કરી છે. હોમ ઓફિસના પ્રતિનિધિએ જણાવ્યું છે કે,‘તમામ વિઝા અરજી વ્યક્તિગત મેરિટ પર ધ્યાને લેવાય છે. બધા અરજદારોએ ઈમિગ્રેશન નિયમોની જરુરિયાતો પૂર્ણ કરતા પૂરાવા આપવા જ જોઈએ. ખાને તેમની વિઝા અરજીમાં આ જરુરિયાતો પૂર્ણ કરી હોવા વિશે અમે સંતુષ્ટ નથી.’

સાઉથબેન્ક સેન્ટરના દરબાર ફેસ્ટિવલના આર્ટિસ્ટિક ડિરેક્ટર સંદીપ વીરડીએ કહ્યું હતું કે, ‘ખાનસાહેબ ઉપરાંત, રાજન અને સાજન મિશ્રા, કર્ણાટકી ગાયિકા અરુણા સાઈરામ અને હિન્દુસ્તાની ગાયિકા શુભા મુદગલને પણ વિઝા બાબતે મુશ્કેલી સર્જાઈ છે. કેટલાક કલાકારોએ પોતાની મેળે વિઝા માટે PPE [Permitted Paid Engagement] ફોર્મમાં અરજી કરી હતી, જ્યારે ખાનસાહેબ, મિશ્રાબંધુ સહિત કેટલાક સીનિયર કલાકારો માટે અમે ટીઅર-૫ વિઝા માટે અરજી કરી હતી. પરંતુ નિયમો બદલાયાની જાણ ન રહેતા અમે પૂરતા ડોક્યુમેન્ટ આપી ન શકતા વિઝા નામંજૂર થયા હતા. હવે અમે નવેસરથી ટીઅર-૫ વિઝા માટે અરજી કરી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter