લંડનઃ ભારતીય- અમેરિકન મોડેલ, યુએસ ટેલિવિઝન શો ‘ટોપ શેફ’ની જજ અને ‘સેતાનિક વર્સીસ’ના વિવાદાસ્પદ લેખક સર સલમાન રશ્દીની પૂર્વ પત્ની પદ્મા લક્ષ્મીએ આત્મકથાનક ‘Love, Loss, and What We Ate’માં સર સલમાન સાથે ત્રણ વર્ષના લગ્નજીવન અંગે વિસ્ફોટક અને સનસનાટીપૂર્ણ લખાણનો મારો ચલાવ્યો છે. પદ્માએ રશ્દીને ઠંડા અને લાગણી વિનાના પતિ ગણાવ્યા હતા અને તેમનું લગ્ન અસલામતી અને ઈર્ષાથી ખરાબે ચડ્યું હતું. પદ્માએ લખ્યું છે કે સલમાનને દર વર્ષે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું ન હોય ત્યારે તેને આશ્વાસન આપવાની જરૂર પડતી હતી. મુંબઈમાં જન્મેલા અને બ્રિટનમાં ઉછરેલા રશ્દીને ૧૯૮૩માં મિડનાઈટ્‘સ ચિલ્ડ્રન પુસ્તક માટે બુકર પ્રાઈઝ એનાયત કરાયું હતું અને ૨૦૦૭માં નાઈટનો ખિતાબ મળ્યો હતો.પદ્માનો દાવો છે કે પ્રસિદ્ધ લેખક સાથે એક વખત સેક્સ માણવાનો ઇન્કાર કરતા તેમણે કહ્યું હતું કે ‘તારી સાથે લગ્ન કરીને મેં ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.’ પદ્માએ પોતાની જિંદગીની વાતો પુસ્તક ‘Love, Loss, and What We Ate’માં લખી છે. અમેરિકામાં આઠ માર્ચે રીલિઝ થયેલાં પુસ્તકમાં પદ્માએ ખાન-પાન, પરિવાર, સર્વાઇવલ (પડકારોને પહોંચી વળવા) અને પોતાની જીતને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પદ્મા એન્ડોમેટ્રિઓસિસથી પીડાતી હતી ત્યારે પણ રશ્દીને સેક્સની જ ચિંતા હતી. તેમ ણે પદ્માની હાલતને ‘મોટા બહાનારુપ’ ગણાવી હતી. રશ્દીને દર વખતે, કાળજી, સારા ભોજન અને સેક્સની પડી હોય. ‘એ કોઇની મજબૂરી સમજતા ન હતા અને એટલે તેમની સાથે ફિઝિકલ થવું બહુ પીડાદાયક બની રહેતું હતું.’પદ્મા ૧૯૯૯માં રશ્દીને મળી ત્યારે ૨૮ વર્ષની હતી અને મોડેલિંગ એક્ટિંગના કેરિયર માટે સ્ટ્રગલિંગ કરતી રહી હતી. એ સમયે રશ્દી ૫૧ વર્ષના હતા. પદ્મા, ૨૦૦૪માં રશ્દીની ત્રીજી પત્ની બની હતી. શરૂઆતમાં તો રશ્દી બેડરૂમમાં પદ્મા માટે નાસ્તો બનાવી લઈ જતા હતા. પાછળથી તેમના સંબંધોમાં કડવાશ આવી હતી. પદ્માએ લખ્યું છે કે, ‘હું લોસ એન્જલસમાં રહેતી હતી, ત્યારે પ્રથમ વખત રશ્દીએ ફોન કર્યો હતો. પ્રથમ ડેટ પર જ તે મને બેડરૂમમાં લઈ ગયા.’