લંડનઃ લેબર પાર્ટીના ૪૪ વર્ષીય સાંસદ સ્ટેલા ક્રિસી પોતાના ૩ મહિના (૧૩ સપ્તાહ) નવજાત પુત્રને લઈ હાઉસ ઓફ કોમન્સમાં આવ્યાં પછી બાળકોને ગૃહમાં લાવવાં કે નહિ લાવવાં મુદ્દે તીવ્ર વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે સ્ટેલાએ અગાઉ પણ પોતાની પુત્રીને સાથે રાખી સંસદીય ચર્ચાઓમાં ભાગ લીધો હતો.
પાર્લામેન્ટરી ચર્ચા વેળાએ પોતાના બાળકને લઈને આવવાં બદલ વાલ્ધામસ્ટોના સાંસદ સ્ટેલા ક્રિસીને સત્તાવાર ઠપકો અપાયો હતો. લેબર સાંસદે આ મુદ્દે સ્પીકર લિન્ડસે હોયેલને ફરિયાદ કર્યાં પછી સ્પીકરે નિયમોની સમીક્ષા કરવા સાંસદોની સમિતિને જણાવ્યું છે. જોકે, કન્ઝર્વેટિવ સાંસદ સ્કોટ બેન્ટ્ને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે નાના બાળકને લઈને આવવાની જરૂર શાથી પડી? બેન્ટને કહ્યું હતું કે તમારાથી ઓછું વેતન મેળવતા પેરન્ટ્સ ચાઈલ્ડકેરની ચૂકવણી કરે છે, પોતાની જવાબદારીઓ સુપરત કરે છે જેથી કામ પર જઈ શકે.
સર લિન્ડસેએ જણાવ્યું હતું કે પેરન્ટ્સ ગૃહના કામકાજમાં સંપૂર્ણપણે ભાગ લઈ શકે તે અતિ મહત્ત્વનું છે અને તેથી નર્સરીની વ્યવસ્થા પણ છે. તેમણે કોમન્સ પ્રોસીજર કમિટીને આ બાબતે તપાસ કરવા સૂચન કર્યું હતું. મિસ ક્રિસીએ કેટલાંક નિયમો બદલાવાં જોઈએ જેથી પેરન્ટિંગ અને પોલિટિક્સના કાર્ય સાથે કરી શકાય તેવી આશા દર્શાવી હતી.