લંડનઃ એલિંગ અને સાઉથોલના લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ કૌભાંડો અને ફ્રોડ્સ સામેની તેમની લડતમાં સહભાગી બનવા યુકે સરકારને જણાવ્યું છે. તેમણે એશિયન વોઈસ અને ગુજરાત સમાચારમાં અભિયાન આદરી તમામ લોકોને વધુ સાવચેત રહેવા, એકબીજાનું ધ્યાન રાખવા તેમજ કૌભાંડો અને ફ્રોડ્સનો શિકાર નહિ બનવા જણાવ્યું છે. શનિવાર, ૬ જૂને ઝૂમ પર ઈન્ટર્વ્યૂમાં તેમણે એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે તેમના પરિવારને કૌભાંડીઓના ટેલિફોન કોલ્સ આવે છે જેમાં, તેઓ અંગત માહિતી મેળવવાના પ્રયાસ કરે છે. આના પરિણામે, તેઓ લોકોને આવા કૌભાંડ અને છેતરપિંડીઓનો શિકાર બનતા બચાવવામાં મદદ કરવા મક્કમ બન્યા છે.
સમાજને છેતરતાં અનેક પ્રકારના કૌભાંડો સંબંધે મિ. શર્માએ જણાવ્યું હતું કે,‘ વૃદ્ધ લોકોને નકલી માલસામાન ખરીદવા, ભારે નફાની લાલચ આપી તેમને બનાવટી કંપનીઓમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવાની છેતરપિંડી થાય છે. મારા મતક્ષેત્રમાં જ નહિ, ઘણા વિસ્તારોમાં લોકો સાથે આવી બનાવટના ઉદાહરણો મળશે.’ તેમણે NISAU મારફત ૫૦ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી છે જેમની સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અને સરહદો બંધ છે ત્યારે ભારત પરત જવા માટે ટિકિટ્સ ઓફર કરીને છેતરપિંડી આચરાઈ હતી.
કોરોના વાઈરસ બીમારીમાંથી હાલ જ સાજા થયેલા અને ઘેર રહીને જ કામ કરી રહેલા શર્માને લાગે છે કે કોવિડ-૧૯ના ગાળામાં ઘટેલું સામાજિક આદાનપ્રદાન, એકાંતવાસ અને ઓનલાઈન વ્યવહારો પર આધાર આવાં કૌભાંડમાં વધારા પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે,‘અસલામત લોકોને છેતરવા અનેક માર્ગ અપનાવાય છે. તેઓ વૃદ્ધોને ફોન કરે છે, ચેરિટી માટે નાણા એકત્ર કરવાના બહાના હેઠળ તેમની પાસેથી કાર્ડની વિગતો મેળવાય છે. મારું અભિયાન લોકોમાં વધુ સાવચેતી અને જાગૃતિ ફેલાવવાનું છે. હું ઘરના બારણે ટકોરા મારી બનાવટી ચેરિટીઝ માટે ફાળો માગતા કૌભાંડીઓ વિશે વાત કરું છું. સામાજિક એકલતાના લીધે કોઈ પણ આવા કૌભાંડનો શિકાર બની શકે છે. ગત સપ્તાહોમાં તેમાં ભારે વધારો થયો છે અને આથી જ પોલીસ અને અન્યો પણ અજાણ્યાઓ માટે બારણા ન ખોલવાં કે તેમની સાથે વાતચીત નહિ કરવા લોકોને સમજાવી રહ્યા છે.’
જોકે, તેમણે કહ્યું હતું કે,‘ કોવિડ-૧૯ દયાળુ લોકોને તેમની આંતરિક કરુણાને દર્શાવતા અટકાવી શક્યું નથી. કોવિડ-૧૯ આપણને કરુણતા અને પરસ્પર દુઃખમાં સહભાગી બનાવવા નજીક લાવેલ છે. સમાજ માટે આ શીખવારુપ વળાંક છે. તેણે આપણને એકબીજાને ટોકો આપવાની જરુરિયાતને સમજાવી છે. કોમ્યુનિટી અને સેવાની ભાવના બહાર આવી છે. ભવિષ્ય માટે કોમ્યુનિટી, સેવા અને એકતાનો આ ભાવ કાયમી પરિવર્તન બની રહેશે.’
મિ. શર્માએ જણાવ્યું કે,‘ મને NHS, પોલીસ અને ફાયર સર્વિસના સ્થાનિક ફ્રન્ટલાઈન સ્ટાફને ખોરાક પહોંચાડનાર કુલ્ચા એક્સપ્રેસ સાથે કામ કરવાનું, નોરવૂડ ગ્રીનમાં કેર હોમ્સને PPE મોકલવામાં વિશ્વ હિન્દુ સેવા પરિવારને મદદનું ગૌરવ છે. એલિંગ કાઉન્સિલ લંડનમાં મોખરે રહી છે જેને તમામ બરોઝ માટે PPE ખરીદવાની જવાબદારી સોંપાઈ હતી. આટલું જ નહિ, લાયક સ્થાનિક બિઝનેસીસને ગ્રાન્ટ્સ વહેંચવામાં તે સૌથી ઝડપી કાઉન્સિલ રહી છે અને ૯૯.૫ ટકાથી વધુ ભંડોળ ચૂકવી દેવાયું છે. સમગ્ર વિશ્વ જાણે અમારી પડખે આવી ઉભું હતું. મારા મતક્ષેત્રમાં TKC, VHS અને સર્વણા ભવન સહિતની ઘણી સંસ્થાએ જીવન બચાવવાનું કામ કરતા હજારો ફ્રન્ટલાઈન લોકો અથવા નોકરી ગુમાવનારાઓને ટેકો કર્યો છે. ફાળો આપનારા અને જીવન બચાવવા સાથે લોકોની મદદ કરનારી તમામ ચેરિટીઝ અને બિઝનેસીસનો હું આભાર માનું છું.’
મુલાકાતના અંતે આ બાબત સરકાર સમક્ષ ઉઠાવવા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે,‘મારું ધ્યેય આવાં કૌભાંડ થતાં કેવી રીતે અટકાવી શકાય તે જોવાનું છે. હું હાઉસ ઓફ કોમન્સમાં પ્રશ્નો કરીશ અને મિનિસ્ટર્સે તેનો ઉત્તર આપવો પડશે. પોલીસ અને લોકલ ઓથોરિટીઝે કૌભાંડોની માહિતી આપવા લોકોને સમજાવવા પડશે. હું સરકારને લખીશ અને યોગ્ય પહલાં લેવાય તેની ચોકસાઈ રાખીશ.’