લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લંગ કેન્સર, ફેફસાના રોગ અને હૃદયરોગના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા પ્રથમ રાષ્ટ્રીય અભિયાન ‘Be Clear on Cancer’ આરંભાયું છે. ઈંગ્લેન્ડમાં મોત તરફ દોરી જતાં આ તમામ કારણોના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીઓને અનુરોધ કરાયો છે.
સાઉથ એશિયન લોકોમાં કોરોનરી હાર્ટ ડિસીઝ (CHD) સામાન્ય છે અને તેનાથી અકાળે મૃત્યુનું જોખમ પણ વધુ છે. લંગ કેન્સર અને અન્ય રોગો માટે લાઈફસ્ટાઈલનું સૌથી મોટું જોખમ ધૂમ્રપાન છે. સામાન્ય વસ્તીની સરખામણીએ પાકિસ્તાની અને બાંગલાદેશી લોકોમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધારે રહેલું છે.
સાઉથ એશિયન લોકોને ધ્યાનમાં રાખી એક નવી ફિલ્મ ‘Be Clear on Cancer’ રીલિઝ કરાઈ છે. સતત ઉધરસ કે ખાંસી રહેતી હોય અથવા અગાઉની સરખામણીએ કામ કરતા હાંફ ચડતો હોય તેવા લોકોને તેમના જીપીની વેળાસર મુલાકાત લેવા જણાવાયું છે કારણકે આ લક્ષણો આવા રોગના હોઈ શકે છે. એક અંદાજ મુજબ લંગ કેન્સરના ૮૦,૦૦૦ , ફેફસાના સામાન્ય રોગ COPDના દસ લાખ કેસ કોરોનરી હાર્ટ ડિસીઝના ૬૦૦,૦૦૦ કેસ નિદાન વગરના છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે લંગ કેન્સરથી આશરે ૨૮,૪૦૦ અને COPDથી ૨૪,૦૦૦, જ્યારે CHDથી ૫૬,૦૦૦થી વધુ મોત થાય છે.
‘Be Clear on Cancer’માં ભૂમિકા ભજવનારાં રેડબ્રિજના ન્યૂબરી પાર્કના ડો. જ્યોતિ સુદ GP કહે છે કે, ‘ખાંસી કે હાંફની ફરિયાદ હોય તો વિના વિલંબે જીપી પાસે પહોંચી જવું હિતાવહ છે. વહેલું નિદાન થશે તો જ વહેલી અને સફળ સારવાર પણ શરૂ કરી શકાશે.’
હિન્દી અને બંગાળીમાં પણ પ્રાપ્ય આ ફિલ્મ http://po.st/FTSYVt પર જોઈ શકાશે. ૨૧ જુલાઈથી ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ સુધી તમામ અશ્વેત અને અને એશિયન ટીવી ચેનલ્સ પર પણ પ્રસારિત થનારી આ ફિલ્મ નિહાળવાનું ચુકશો નહિ.