લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી પૈકીની એક અને બ્રિટિશ એશિયન લોકસેવા માટેની યુકેની અગ્રણી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા ગુરુવાર, ૨જી ફેબ્રુઆરીએ લંડનમાં ગીલ્ડહોલ ખાતે યોજાનારા ૪થા વાર્ષિક ગાલા ડિનરની વિગતો જાહેર કરવામાં આવી છે. આ ડિનરમાં સંસ્થાના સ્થાપક અને પ્રમુખ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ ખાસ ઉપસ્થિત રહેશે.
ટ્ર્સ્ટની કામગીરી દ્વારા અત્યાર સુધીમાં સાઉથ એશિયામાં વસતા ૩ મિલિયન કરતાં વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ગાલા ડિનરથી એક ખાસ વર્ષની શરૂઆત થશે, જેમાં સાઉથ એશિયાનું ભાવિ સુધારવા માટે શિક્ષણ, માનવ હેરફેર પર રોક, આજીવિકા અને માનસિક સ્વાસ્થ્ય-વિકલાંગતા જેવા મહત્ત્વના ચાર ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે.
આ કાર્યક્રમમાં બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો તેમજ ફિલ્મ, ટી.વી., મ્યુઝિક અને સ્પોર્ટ્સ જગતની સેલિબ્રિટીઝ હાજર રહેશે. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી અને સાંસદ પ્રીતિ પટેલ સહિત ૪૫૦ સમર્થકો માટેની આ ખાસ સંધ્યાના હોસ્ટ એમ્બેસેડર અને ટ્રસ્ટી, બ્રિટિશ ટીવી અને રેડિયો પ્રેઝન્ટર નિહાલ અર્થનાયકે રહેશે. આ કાર્યક્રમના સ્પોન્સર સાઉથોલ ટ્રાવેલ, સીરમ ઈન્સ્ટિટ્યુટ, હેમરાજ ગોયલ ફાઉન્ડેશન અને રોયલ વેડિંગ સર્વિસ છે.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સીઈઓ રિચાર્ડ હોક્સે જણાવ્યું હતું, ‘ અમે અમારા મિત્રો અને સમર્થકો માટે વધુ એક વાર્ષિક ગાલા ડિનરની પ્રતિક્ષા કરીએ છીએ. આ સાંજ દરમિયાન આપણને વર્ષ ૨૦૧૭ના આયોજન વિશે ચર્ચા કરવાની અને તેને સહભાગી કરવાની તેમજ ગત વર્ષે હાંસલ કરેલી સિદ્ધિઓ પર નજર નાખવાની તક મળશે. નવા વર્ષે આપણે નવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સાઉથ એશિયાનું ભવિષ્ય સુધારવાના આપણા અભિયાનમાં શિક્ષણ, માનવ હેરફેર પર રોક, આજીવિકા અને માનસિક સ્વાસ્થ્ય-વિકલાંગતા જેવી મહત્ત્વની ચાર બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું.
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું,‘ વૈશ્વિક ગરીબીને ઓછી કરવામાં ડાયસ્પોરા સમુદાયો જે વ્યાપક ભૂમિકા ભજવે છે તેને જાણવાની અને તેની ઉજવણી કરવાની આપણા માટે મહત્ત્વની તક છે.’ તેમણે ઉમેર્યું હતું,‘ મારા વિભાગે તાજેતરમાં જ બ્રિટિશ એશિયન ટ્રસ્ટે પાકિસ્તાનમાં ૫૦,૦૦૦ મહિલા અને યુવતીઓ સ્થાયી નોકરી મેળવી શકે તે હેતુથી જરૂરી ટેક્નિકલ કૌશલ્ય અને કામકાજની સમજ કેળવવામાં મદદરૂપ થવા ભંડોળ એકત્ર કરવા માટે કરેલી ‘ગીવ અ ગર્લ અ ફ્યુચર’ અપીલને સમર્થન આપ્યું હતું. આપણે સાથે મળીને હજારો લોકોને ગરીબીમાંથી ઉગારી શકીએ.’
ગયા વર્ષે સંખ્યાબંધ સેલિબ્રિટીઝની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાઉથ એશિયાના વિકાસ માટે ૯૦૦,૦૦૦ પાઉન્ડની જંગી રકમ એકત્ર થઈ હતી. સંગીતમાંધાતા સાયમન કોવેલ અને લુઈ વોલ્શ, પોપ સ્ટાર લીઓના લેવિસ, મોડેલ નીલમ ગીલ અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એમ્બેસેડર સંજીવ ભાસ્કર, મીરા સ્યાલ, નોટી બોય અને ગુરીન્દર ચઢ્ઢા ઉપસ્થિત રહ્યા હતા.