ભારતમાં કેમ્પસ સ્થાપનારી યુકેની પ્રથમ યુનિવર્સટીનું બહુમાન સાઉધમ્પટન યુનિવર્સિટીને મળવા જઇ રહ્યું છે. ભારતમાં કેમ્પસ ઊભા કરવાનું લાયસન્સ યુનિવર્સિટીને ભારત સરકાર દ્વારા જારી કરી દેવાયું છે. ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લાયસન્સ મળતાં હવે દિલ્હી-એનસીઆરમાં કેમ્પસ ઊભું કરાશે. યુનિવર્સિટી સાઉધમ્પટન દિલ્હી એનસીઆર ખાતે ભારતમાં શિક્ષણ, રિસર્ચ, જ્ઞાનના આદાન પ્રદાન અને એન્ટરપ્રાઇઝ એક્ટિવિટની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. યુનિવર્સિટી દ્વારા ભારત ખાતેના કેમ્પસમાં ટોચના 100 અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવાશે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં વર્લ્ડ ક્લાસ ગ્રેજ્યુએટ તૈયાર કરીશું.
યુનિવર્સિટીના પ્રમુખ અને વાઇસ ચાન્સેલર પ્રોફેસર માર્ક ઇ સ્મિથે જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારત સાથે સંકળાયા વિના કોઇ યુનિવર્સિટી વૈશ્વિક બની શક્તી નથી. અમે ભારતમાં સામાજિક મૂલ્યો અને આર્થિક અસરો આપતું કેમ્પસ ઊભું કરવાનો ઇરાદો ધરાવીએ છે. હવે ભારતમાં પણ સાઉધમ્પટન યુનિવર્સિટી શિક્ષણ, રિસર્ચમાં વિશ્વ કક્ષાની પ્રવૃત્તિઓ હાથ ધરશે. ભારત એક સુપર પાવર દેશ બની રહ્યો છે. વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્રુ આર્થરટને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, ભારત અમારા ઇન્ટરનેશનલ કેમ્પસ માટે ડાયનેમિક લોકેશન છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણની મોટી માગ છે. ભારતના વિદ્યાર્થીઓની ગુણવત્તા અમારા માટે મોટી તક છે. અમે યુકે સમકક્ષ ડિગ્રી ભારતમાં આપીશું.