લંડનઃ લોકડાઉન નિયંત્રણોના ભંગ અને સહાયક જિના કોલાડેન્જેલો સાથે લગ્નેતર સંબંધોના પગલે પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આપેલા રાજીનામાં પછી સાજિદ જાવિદનું હેલ્થ સેક્રેટરી તરીકે બોરિસ કેબિનેટમાં પુનરાગમન થયું છે. સાજિદ જાવિદ યુકેના ઈતિહાસમાં પ્રથમ એશિયન હેલ્થ સેક્રેટરી હોવાથી એશિયન કોમ્યુનિટીએ આનંદ વ્યક્ત કર્યો છે. યુકેના ઉચ્ચ કેબિનેટ મિનિસ્ટર્સમાં એક તરીકે તેઓ ત્રીજી વખત હોદ્દો સંભાળી રહ્યા છે. જાવિદે નવા હેલ્થ સેક્રેટરી તરીકે પસંદગીને પોતાનું ગૌરવ ગણાવી ૧૯ જુલાઈના ‘આઝાદી દિન’ના લક્ષ્યને પરિપૂર્ણ કરવા સખત પરિશ્રમ કરીશ તેમ પણ જણાવ્યું હતું.
જાવિદે સૌપ્રથમ પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની કેબિનેટમાં ૨૦૧૮-૧૯માં હોમ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું. આ પછી, વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની કેબિનેટમાં ૨૦૧૯-૨૦માં સૌપ્રથમ એશિયન તરીકે ચાન્સેલરનો હોદ્દો સંભાળ્યો હતો. ભૂતકાળમાં તેમણે કલ્ચર સેક્રેટરી, બિઝનેસ સેક્રેટરી અને કોમ્યુનિટીઝ સેક્રેટરીના હોદ્દાઓ પર કામગીરી બજાવી છે.
આ જ પ્રમાણે, ઉચ્ચ કેબિનેટ મિનિસ્ટર્સની ચાર પોઝિશન એશિયન અને ભારતવંશી સાંસદો હસ્તક છે. આ મિનિસ્ટર્સમાં ચાન્સેલર રિશિ સુનાક, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, COP26 પ્રેસિડેન્ટ આલોક શર્મા અને હવે નવા હેલ્થ અને સોશિયલ કેર સેક્રેટરી તરીકે સાજિદ જાવિદનો સમાવેશ થયો છે.
ઈમિગ્રન્ટ પેરન્ટ્સના પુત્ર જાવિદનો જન્મ ૧૯૬૯માં રોચડેલ અને ઉછેર બ્રિસ્ટોલમાં થયો છે. તેઓ ભારતમાં જન્મેલા અને યુવાન વયે પાકિસ્તાન ચાલ્યા ગયેલા પિતા અબ્દુલ ઘની - જાવિદ અને માતા ઝુબૈદનું સંતાન છે. તેમના માતાપિતા ૧૯૬૦ના દાયકામાં યુકે આવ્યા હતા. પિતા અબ્દુલ ઘની - જાવિદ બસ કન્ડક્ટર અને ડ્રાઈવર હતા તેમજ તેમની દુકાન ઉપરના બે બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા. જાવિદને ચાર ભાઈ છે જેઓ, ફાઈનાન્સ, પ્રોપર્ટી, રીટેઈલ અને પોલીસ ફોર્સના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે. તેઓ ૨૦૧૦થી વોર્સેસ્ટરશાયરમાં બ્રોમ્સગ્રોવ મતક્ષેત્રમાં ટોરી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદ છે.
તેઓ પત્ની લૌરા અને ચાર સંતાનો- સોફિયા, સુલી, રાનીઆ અને માયા સાથે ચેલ્સી અને ફૂલહામમાં રહે છે. જાવિદે રાજકારણમાં પ્રવેશતા પહેલા ફાઈનાન્સ ક્ષેત્રમાં થોડી કામગીરી બજાવી હતી અને રિપબ્લિકન રાજકારણી રુડી જિયુલિઆનીના સહાયક હતા. બોરિસ જ્હોન્સનના તત્કાલીન સીનિયર સલાહકાર ડોમિનિક કમિંગ્સે જાવિદની સલાહકાર સોનિયા ખાનની હકાલપટ્ટી કર્યા પછી જાવિદે ફેબ્રુઆરી ૨૦૨૦માં ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્હોન્સન અને કમિંગ્સે જાવિદને તેમના બધા જ સલાહકારોને બરતરફ કરી ડાઉનિંગ સ્ટ્રીટ નં.૧૦ દ્વારા પસંદ કરાયેલા સલાહકારોને રાખવા જણાવ્યું હતું.
જાવિદના સ્થાને રિશિ સુનાકની વરણી કરાઈ હતી. આ પછી જાવિદે હાર્વર્ડ યુનિવર્સિટીના સીનિયર ફેલો અને જેપી મોર્ગન ચેઝમાં સીનિયર સલાહકાર તરીકે નોકરીઓ કરી હતી. ભૂતકાળમાં જાવિદને બ્રિટનના સૌપ્રથમ સંભવિત એશિયન વડા પ્રધાન બનવાને લાયક રાજકારણી તરીકે ઓળખાવાયા હતા.
નવા કાર્યભારને અભિનંદનોની વર્ષા
બસ ડ્રાઈવરના અન્ય પુત્ર અને લંડનના મેયર સાદિક ખાને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું હતું કે,‘બસ ડ્રાઈવરોના સંતાનોને સારી કામગીરી કરતા નિહાળવાનું હંમેશાં સારું લાગે છે! હેલ્થ સેક્રેટરી તરીકે નિમણૂકને અભિનંદન. આ ભયાનક મહામારીમાંથી આપણી કોમ્યુનિટીઓની સુરક્ષા કરવા, લંડનને વેક્સિનેટ કરવા અને આપણા શહેર અને દેશને સલામતપણે ખોલવામાં સાથે મળીને કામ કરીએ તેની આતુરતા.’
જોકે, જાવિદ હેઠળ NHSનું ખાનગીકરણ થવાનો ભય નિહાળતા ઘણા લોકોમાંથી એક સાંસદ ઝારાહ સુલતાનાએ ટ્વીટ કર્યું હતું કે ‘સાજિદ જાવિદ નવા હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી નિમાયા છે. સાંસદ હોવાની સાથોસાથ તેમણે ગયા વર્ષે પ્રાઈવેટ હેલ્થકેર ક્ષેત્રના મુખ્ય ખેલાડી યુએસ બેન્ક જેપી મોર્ગનના સીનિયર એડવાઈઝર તરીકે સવેતન કામગીરી બજાવી છે. NHS કન્ઝર્વેટિવ્ઝના હાથમાં સુરક્ષિત નથી.’
ઘણા મેડિકલ પ્રોફેશનલ્સે નવા હેલ્થ સેક્રેટરી દ્વારા ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વ્યવહારમાં પરિવર્તનનો અનુરોધ કરતા ટ્વીટ્સ કર્યા હતા.