લંડનઃ બ્રેક્ઝિટના પગલે મંદીનું જોખમ ટાળવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ સાત વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઐતિહાસિક ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે ઈકોનોમીને ઉત્તેજન આપવા ૧૭૦ બિલિયન પાઉન્ડના મૂલ્ય જેટલા ઉદ્દામવાદી પગલાં પણ જાહેર કર્યાં છે. માર્ચ ૨૦૦૯ પછી પ્રથમ વખતના વ્યાજદર ઘટાડાતાં બચતકારોને મુશ્કેલી સર્જાશે, પરંતુ કરજ લેનારાઓમાં ખુશી વર્તાશે. અર્થતંત્રને પ્રોત્સાહન આપવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ચલણ માટે વધુ ૬૦ બિલિયન પાઉન્ડ અને બેન્કોની ભંડોળ યોજના માટે ૧૦૦ બિલિયન પાઉન્ડ છાપવામાં આવશે અને ૧૦ બિલિયન પાઉન્ડ કોર્પોરેટ બોન્ડ ખરીદ યોજના માટે રખાશે. મધ્યસ્થ બેન્ક દ્વારા જીડીપી વૃદ્ધિદરની આગાહીમાં કાપ મૂકી આગામી વર્ષ માટે ૦.૮ ટકાનો વૃદ્ધિદર મૂકાયો હતો. આગામી ત્રણ વર્ષની વૃદ્ધિદર આગાહીમાં કુલ ૨.૫ ટકા કાપ મૂકાયો છે.
બેન્કના ગવર્નર માર્ક કાર્નીએ કહ્યું હતું કે ઈયુ રેફરન્ડમથી નિયમોનું પરિવર્તન થશે છતાં, વિશ્વની સૌથી લચકદાર ઈકોનોમીઓમાં એક હોવાથી બ્રિટન અનિશ્ચિતતાનો સામનો કરવા સજ્જ છે. બેન્કના ચલણ છાપવાના પગલાથી ઈયુ રેફરન્ડમ પછી કુલ ૪૩૫ બિલિયન પાઉન્ડ ચલણમાં ફરતાં થશે. કાર્નીએ એવી પણ ચેતવણી આપી હતી કે બેરોજગારીનો ૪.૯ ટકાનો વિક્રમી નીચો દર છે તે આગામી બે વર્ષમાં વધીને ૫.૫ ટકા થઈ શકે છે.
બેન્કે નાણાકીય કટોકટીના કાળમાં માર્ચ ૨૦૦૯માં વ્યાજદરમાં કાપ મૂકી ઓલટાઈમ નીચા દર ૦.૫ ટકાનો કરી દીધો હતો. નવો ૦.૨૫ ટકાનો વ્યાજદર મોર્ગેજ હોલ્ડર્સ તથા અન્ય કરજદારો માટે સારા સમાચાર બની રહેશે, પરંતુ લાંબા સમયથી નીચા વ્યાજદરને સહન કરી રહેલા બચતકારોને ભારે માર પડશે. નવો નીચો દર સ્ટર્લિંગના મૂલ્યને પણ ધક્કારુપ બની રહેશે, જેનાથી આયાતોનો ખર્ચ તેમજ વિદેશમાં બ્રિટિશ સહેલાણીઓને ખર્ચ વધશે.
ચાન્સેલર ફિલિપ હેમન્ડે ઉદ્દામવાદી પગલાંને આવકાર્યા હતા અને કાર્નીને લખેલા પત્રમાં બ્રિટન ઈયુ છોડી રહ્યું છે ત્યારે અર્થતંત્રને ટેકો આપવા અને વિશ્વાસ વધારવાને કોઈ પણ પગલાં લેવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના અહેવાલ મુજબ ઈયુ રેફરન્ડમ પછી આર્થિક ઢીલાશ હોવાં છતાં બ્રિટને આ વર્ષે મંદી નડશે નહિ.
બચતકાર બેહાલ, કરજદારને લાભ
નવો ૦.૨૫ ટકાનો વ્યાજદર મોર્ગેજ હોલ્ડર્સ તથા અન્ય કરજદારો માટે સારા સમાચાર બની રહેશે, પરંતુ લાંબા સમયથી નીચો વ્યાજદર સહન કરતા બચતકારોને ભારે માર પડશે
• બજારમા લગભગ ૭૨ ટકા કરન્ટ એકાઉન્ટ્સ જમા રકમો પર શૂન્ય વ્યાજદર ચુકવે છે. જોકે, કેટલાક ખાતાઓમાં કેશબેક જેવી સુવિધા ઓફર કરાય છે.
• ઓફર પર સરેરાશ ‘નો નોટિસ’ Isa વ્યાજ દર એક ટકાથી પણ ઓછો છે. બજારમાં ઓગસ્ટમાં સરેરાશ ‘નો નોટિસ’ Isa વ્યાજ દર ૦.૯૫ ટકા ચુકવાયો હોવાનું મનીફેક્ટ્સ વેબસાઈટ કહે છે. એક વર્ષ અગાઉ સરેરાશ દર ૧.૧૧ ટકા હતો.
• મનીફેક્ટ્સ ડેટા અનુસાર વર્ષ ૨૦૧૬માં વધેલા દરેક બચતદરની સામે નવમાં કાપ મૂકાયો હતો.
• સરળ એક્સેસ કરાતાં એકાઉન્ટમાં રખાયેલી ૧૦,૦૦૦ પાઉન્ડની રકમ પર બચતદારને વાર્ષિક ૨૫ પાઉન્ડ ઓછું વ્યાજ મળશે.
------------
• તાજેતરના ૨૦ લાખથી વધુ ઘર ખરીદારોને તેમના મોર્ગેજદરોમાં વધારાનો અનુભવ કરવો નહિ પડે.
• મોર્ગેજના કિંમતયુદ્ધના કારણે દર વિક્રમી નીચાં ગયાં છે. તાજેતરના સોદાઓમાં HSBC દ્વારા બે વર્ષના ૦.૯૯ ટકાના ફિક્સ દરે સોદા કરાયા હતા.
• મોર્ગેજ દરની સાથે મોર્ગેજ ધીરાણકારો સોદા સાથેની ફીમાં પણ ભારે સ્પર્ધામાં પડે છે. ફી વિનાની ઓફરોની સંખ્યા વધી રહી છે.
• મનીફેક્ટ્સ અનુસાર કરજ લેનારાઓ હવે એરેન્જમેન્ટ ફી વિના ૧,૨૦૦થી વધુ મોર્ગેજ ડીલ્સમાંથી પસંદગી કરી શકશે. બે વર્ષ અગાઉ, આ સંખ્યા ૫૦૦થી થોડી જ વધુની હતી.
• વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો ૨૫ વર્ષના ૧૫૦,૦૦૦ પાઉન્ડ ટ્રેકર મોર્ગેજમાં મહિને ૧૯ પાઉન્ડ અથવા વાર્ષિક ૨૨૮ પાઉન્ડનો લાભ કરાવશે.
• જોકે, મોટા ભાગની લોન્સ ટ્રેકર સોદાની ન હોવાથી પાંચમાંથી એક મકાનમાલિકને જ તત્કાળ લાભ થશે. અડધોઅડધ મોર્ગેજ લેનારાં ફિક્સ્ડ મોર્ગેજ પર હોવાથી તેમના સોદા સમાપ્ત ન થાય ત્યાં સુધી લાભ મેળવી નહિ શકે. સ્ટાન્ડર્ડ વેરીએબલ રેટ્સ સાથેના કરજદારો તેમના ધીરાણકારની દયા પર હશે, જેઓ વ્યાજમાં કેટલો કાપ મૂકવો તે નક્કી કરશે.