સાધુ-સંત વિરુદ્ધ ગલીચ આક્ષેપોના મૂળ ક્યાં?

Wednesday 05th October 2016 07:15 EDT
 

તાજેતરમાં આપણે અનુભવ્યું છે કે સમતા અને ક્ષમાશીલતા ધરાવતા ચોક્કસ સાધુ-સંત વિરુદ્ધ ફરફરિયાઓ દ્વારા ગલીચ આક્ષેપોના પ્રચાર અને પ્રસાર થકી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ થયો છે. આવા પ્રયાસો પહેલી વખત નથી થયા. ઈતિહાસ સાક્ષી છે કે કવિવર નરસિંહ મહેતાથી માંડી અક્ષયદાસ સોની સહિતના સાધુપુરુષો સામે એક કે બીજા પ્રકારના અંગૂલિનિર્દેશો થયાં છે પરંતુ કંચન એ કંચન છે.

તેઓ પોતાનું કાર્ય સ્થિર ચિત્તે કરતા રહે છે. પોતાની અદામાં મસ્ત હાથી ચાલ્યો જતો હોય ત્યારે સ્વભાવવશ કૂતરાઓ ભસીને ઝેર ઓકતાં રહે છે અને આખરે થાકી-હારીને દૂમ દબાવી ખૂણામાં બેસી જાય છે. કેટલાક માનવીઓ પણ આવો સ્વભાવ ધરાવે જ છે. આથી જ, આ સંતપુરુષ કે તેમના અંતેવાસીઓ દ્વારા કોઈ પ્રકારના ખુલાસા કરવામાં આવતા નથી. જોકે, એક સત્યનિષ્ઠ અખબાર તરીકે અમે કેટલીક વાતો આપની સમક્ષ મૂકવા ઈચ્છીએ છીએ.

આપણે વાત સાધુ-સંતની નથી કરવી પરંતુ, ગલીચ આક્ષેપોનો ડંખ મારનારા વીંછીઓની કરવી છે. અમારા ધ્યાનમાં સાધુપુરુષ સામે ગલીચ આક્ષેપો ધ્યાનમાં આવતા અમે તેના સ્રોતની શોધ સાથે સચ્ચાઈની તપાસ કરી હતી. અત્યારે તો ગૂગલદેવ હાથવગાં રહે છે. જે ફરફરિયાઓમાં આવા ગલીચ આક્ષેપો કરાયા હતા તેમના વિશે ગૂગલમાં કોઈ માહિતી મળતી નથી. એક ફરફરિયાનું ફેસબુક પોસ્ટ છે પરંતુ, તેમાં પણ આ ગલીચ અહેવાલો જોવાં મળ્યાં નથી. અન્ય ફરફરિયાનો હવાલો આપી આવા આક્ષેપ શા માટે પ્રસિદ્ધ કરાયા છે? આનું કારણ એ છે કે તેમનામાં હિંમતનો અભાવ છે અને અસત્ય હોય ત્યાં જ હિંમત દેખાતી નથી. આ ફરફરિયાઓ આગિયા જેવા છે, જે થોડાં ચમકે છે અને વિલાઈ જાય છે. અગ્નિ જેવો તાપ કે પ્રકાશ આપી શકતાં નથી.

તમારે એક બીજી વાત પણ સમજવી જોઈએ કે જે સંતપુરુષ વિરુદ્ધ ગલીચ આક્ષેપો કરાયા છે તેનો ઉલ્લેખ સુદ્ધાં ગુજરાત કે ગુજરાત બહારના નાના-મોટા વર્તમાનપત્રોમાં કરાયો નથી. તથાકથિત સંત બની બેઠેલા અનેક બહુરુપીઓના અહેવાલો આ નાના-મોટા વર્તમાનપત્રોએ શેહશરમ રાખ્યા વિના પ્રસિદ્ધ કર્યા જ છે. આપણે પૂછી શકીએ કે આ ફરફરિયાઓનું વજૂદ શું છે, તેમની સત્યતા અને વિશ્વસનીયતા કેટલી? જો તમારી પાસે પણ આવા ફરફરિયા આવતા હોય તો તે ક્યાંથી આવ્યાં છે તેની તપાસ કરો. આક્ષેપોની સત્યતા પૂરવાર કરવાનો પડકાર ફેંકો, જે અમે કરી રહ્યા છીએ. આપણે તેમને કહી તો શકીએ કે ‘જરા સામને તો આઓ છલિયે, ઈસ છૂપ-છૂપમે ક્યા રાઝ હૈ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter