લંડનઃ સાયન્સ મ્યુઝિયમને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી દ્વારા 4 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમના દાનના મામલે વિવાદ સર્જાયો છે. વિશ્વના સૌથી મોટા કોલસા ઉત્પાદકો પૈકીના એક એવા અદાણી ગ્રુપની કંપની દ્વારા સાયન્સ મ્યુઝિયમની ક્લાઇમેટ ચેન્જ ગેલેરી સ્પોન્સર કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2024માં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણી પર સિક્યુરિટીઝ એન્ડ વાયર ફ્રોડના આરોપ મૂકાયા હતા. ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારતમાં સોલર પાવર કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવા કંપની દ્વારા 250 મિલિયન ડોલરની લાંચ ચૂકવાઇ હતી. મ્યુઝિયમના ટ્રસ્ટીઓ દ્વારા આ મામલો ચેરમેન અને પ્રિન્સેસ રોયલના પતિ સર તિમોથી લોરેન્સ સમક્ષ ઉઠાવાયો હતો.
મ્યુઝિયમની એથિક્સ પોલિસી કહે છે કે સાયન્સ મ્યુઝિયમ ગ્રુપ ડોનર પર ફ્રોડ, મની લોન્ડરિંગ અથવા અન્ય આર્થિક અપરાધના આરોપ હોય તો તેની પાસેથી ડોનેશન, સ્પોન્સરશિપ અને ગ્રાન્ટ સ્વીકારવામાં નહીં આવે. જોકે અમેરિકામાં અદાણીની કંપની પર મૂકાયેલા આરોપ અંગે મ્યુઝિયમ સત્તાવાળાઓ દ્વારા કોઇ સ્પષ્ટતા માગવામાં આવી નહોતી.
જોકે મ્યુઝિયમે અદાણીની સ્પોન્સરશિપ પર ઉઠાવાઇ રહેલા કોઇ સવાલના જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે. મ્યુઝિયમ ગૌતમ અદાણી પર અમેરિકામાં મૂકાયેલા આરોપો પર ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કરી રહ્યું છે.