લંડનઃ ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જે અનુસંધાનમાં હવે ગુજરાત પોલીસ મોટા સાયબર એટેકની સામે કાર્યવાહી કરવા માટે રાજ્યમાં સાયબર કમાન્ડો તૈયાર કરશે. જેમને દેશની વિવિધ એજન્સીઓ ઉપરાંત, વિદેશમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલોમાં અભ્યાસ દરમિયાન જ સાયબર ક્રાઈમને લગતી જાગૃતતા આવે તે માટે ગુજરાત પોલીસે બ્રિટીશ હાઈ કમિશન સાથે સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટ શરૂ કરશે.
ગાંધીનગર ખાતે સ્ટેટ સાયબર સેલ અને બ્રિટીશ હાઈ કમિશન દ્વારા શરૂ કરાયેલા સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટના લોન્ચીંગના કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું ગુજરાત પોલીસ માટે સાયબર ક્રાઈમ સિક્યોરીટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ પર કામ કરી રહી છે. સાયબર ક્રાઈમના ગુનાના ભેદ ઉકેલવા માટે ગુજરાત પોલીસની પાસે સાયબર એક્સપર્ટની ટીમ છે. જો કે સાયબર એટેકની સામે આધુનિક ટેકનોલોજીની મદદથી લડી શકાય તે માટે ગુજરાત પોલીસ હવે સાયબર કમાન્ડો તૈયાર કરશે. સાયબર કમાન્ડો અંગે માહિતી આપતા કહ્યું કે દેશમાં સાયબર એટેકનો ભય સતત રહે છે. ભૂતકાળમાં મોટી કંપનીઓ પર સાયબર એટેકની અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે સાયબર કમાન્ડો આ પ્રકારની ઘટનાઓમાં મહત્વની ભૂમિકા ભજવશે. સાયબર કમાન્ડોને બ્રિટન, અમેરિકા સહિતના દેશોની સાયબર સિક્યોરીટી સિસ્ટમ અંગે તાલીમ આપવાની સાથે દેશની આધુનિક ટેકનોલોજીની તાલીમ આપીને તૈયાર કરાશે.
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા બ્રિટીશ હાઈ કમિશન સાથે મળીને સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટને લોંચ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં રાજ્યના 12 જિલ્લાઓમા 36 જેટલી શાળાઓમાં સાયબર ક્રાઈમ અવેરનેસ ક્રાર્યક્રમ ચલાવશે. આ પ્રોજેક્ટમાં ગુજરાત પોલીસે બ્રિટનમાં અમલી અવેરનેસ અંગેની મહત્વની બાબતોનો સમાવેશ કરાયો છે. આ માટે પોલીસને ખાસ તાલીમ આપવામાં આવશે.
પ્રથમ ચરણમાં મધ્યપ્રદેશની શાળાઓમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો
ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશન સાથે મળીને ભારતની શાળાઓમાં સાયબર સેફ્ટી એજ્યુકેશન આપશે. 4 મહિના લાંબા આ સાયબર અવેરનેસ અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશની વિવિધ શાળાઓમાં આ શિક્ષણનો પ્રારંભ કરાયો હતો. આ પ્રોગ્રામ માટે ભોપાલ, ગ્વાલિયર, ઇન્દોર અને છત્તરપુરની 15 શાળાની પસંદગી કરાઇ છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને જરૂરી સાયબર સ્કીલ્સ, ઓનલાઇન પ્રેકટિસ અંગે શિક્ષણ આપી ઇન્ટરનેટ પર કેવી રીતે સુરક્ષિત રહેવાય તેનું જ્ઞાન અપાશે.
મજબૂત ભવિષ્યનો પાયો નાખવા માટે યુવાઓ મધ્યે સાયબર ફોર યુથ નામનો આ પ્રોગ્રામ એક પછી એક ભારતના રાજ્યોમાં ચલાવાશે. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પણ અવેરનેસ ટ્રેનિંગ અપાશે.
ઇન્ડિયા – યુકે સાયબર પ્રોગ્રામ અંતર્ગત નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમિશન આ પહેલમાં મદદ કરી રહ્યું છે. ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં સાયબર સિક્યુરિટીમાં સહકાર કેન્દ્રસ્થાને છે. આ પ્રોગ્રામ દ્વારા બંને દેશ વચ્ચે સાયબર સિક્યુરિટી ભાગીદારીને મજબૂત બનાવાશે. પ્રોગ્રામના પ્રથમ ચરણ માટે મધ્યપ્રદેશની પસંદગી કરાઇ છે.