લંડનઃ સજા ઓછી કરાવવા માટે 10 વર્ષીય સારા શરિફના પિતા, સાવકી માતા અને અંકલના કોર્ટ ઓફ અપીલમાં જવાના પ્રયાસોને ફટકો પડ્યો છે. ડિસેમ્બર 2024માં ઉરફાન શરિફ, બૈનાશ બતૂલને અનુક્રમે 40 અને 30 વર્ષની કેદની સજા અપાઇ હતી. સારા શરિફના અંકલ ફૈસલ મલિકને 16 વર્ષની જેલ ફટકારવામાં આવી હતી.
લેડી ચીફ જસ્ટિસ બેરોનેસ કાર્ર, મિસ્ટર જસ્ટિસ સૂલે અને મિસ્ટરજસ્ટિસ ગૂઝે આ ત્રણે અપરાધીની સજામાં બદલાવ કરવાનો ઇનકાર કર્યો હતો. ઉરફાન શરિફની અપીલ ફગાવી દેતાં લેડી ચીફ જસ્ટિસ કાર્રે જણાવ્યું હતું કે, ટ્રાયલ જજ દ્વારા અપાયેલી સજાને પડકારવાનો કોઇ આધાર અમારી સમક્ષ રજૂ કરાયો નથી. સજા આપનાર જજ દ્વારા કોઇ ભૂલ થઇ હોવાનું માનવાને પણ કોઇ કારણ નથી.
સોલિસિટર જનરલે અદાલત સમક્ષ ઉરફાન શરિફની સજાને આજીવન કેદમાં તબદિલ કરવાની માગ કરી હતી પરંતુ લેડીજસ્ટિસે જણાવ્યું હતું કે, આજીવન કેદની સજા છેલ્લા તબક્કાની સજા છે.