સારી ઊંઘ પીઠદર્દ દૂર કરે

Wednesday 10th August 2016 06:22 EDT
 
 

લંડનઃ જો તમે પીઠના દર્દને ભગાવવા ઈચ્છતા હો તો સારી ઊંઘ મેળવવી આવશ્યક છે. ૮૦ ટકાથી વધુ બ્રિટિશરો અને ખાસ કરીને નાઈટ વર્કર્સ પીઠ-કમરના દર્દથી પીડાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે પીઠ એટલે કે કરોડના મણકા અથવા સ્પાઈનલ ડિસ્ક્સમાં ૨૪ કલાક કાર્યરત બોડી ક્લોક હોય છે અને તેમાં ખરાબી સર્જાય તો કમરનું દર્દ ઉભું થાય છે.

માનવી, પ્રાણી અને વનસ્પતિની ફીઝિયોલોજિકલ પ્રક્રિયાઓમાં બોડી ક્લોક અથવા સિરકાડિયન રીધમ ૨૪ કલાક ચાલતી રહે છે. વૃદ્ધાવસ્થા અને ઈન્ફ્લેમેશન (સોજા)થી કરોડના મણકાંમાં ડીજનરેશન અને પીઠના નીચેના હિસ્સામાં પીડા થાય છે. આ બન્ને કારણોથી બોડી ક્લોકનો લય ખોરવાય છે. અગાઉના સંશોધનોમાં આ સાયકલમાં ખરાબી હોય તો કેન્સર, હાર્ટ ડિસીઝ, ટાઈપ-ટુ ડાયાબીટીસ અને સ્થૂળતાની સમસ્યાઓ થઈ શકે તેવાં તારણો હતા. પીઠદર્દ સાથે તેને પ્રથમ વખત સાંકળવામાં આવેલ છે.

‘એનાલ્સ ઓફ ધ રહ્યુમેટિક ડિસીઝ’ જર્નલમાં પ્રસિદ્ધ સંશોધનમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડો. ક્વિંગ-જુન મેંગ જણાવે છે કે,‘કરોડની લયબદ્ધ ફીઝિયોલોજી પાછળ મણકાંની બોડી ક્લોક વિશે પ્રથમ વખત જાણવા મળ્યું છે. આપણી આંતરિક ઘડિયાળ દ્વારા આ સિસ્ટમનું નિયંત્રણ થાય છે. એજિંગ અથવા અપૂરતી ઊંઘના કારણે બોડી ક્લોક યોગ્ય કામ કરતી નથી ત્યારે પીઠદર્દની શક્યતા વધે છે.’

અન્ય મહત્ત્વની બાબત એ છે કે વિજ્ઞાનીઓને મનગજમાં ઊંઘને ઉત્તેજન આપતી સ્વિચ શોધવામાં સફળતા મળી છે, જેથી નિદ્રાહીન રાતોનો અંત આવી શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર લોકોને જાગ્રત રાખતા ડોપામાઈન કેમિકલનું પ્રમાણ ઘટવાથી આ સ્વિચ કાર્યરત બને છે. અનિદ્રા જેવી સમસ્યાની સારવારમાં આ સંશોધન મદદરુપ બનશે. સંશૌધકોએ માનવીની જેવાં જ સ્લીપ કન્ટ્રોલ ન્યુરોન્સ ધરાવતા ફ્રૂટ ફ્લાયનો અભ્યાસ કર્યો હતો. તેમને ડોપામાઈન મળતું બંધ કરવાથી સ્લીપ કન્ટ્રોલ ન્યુરોન્સ મંદ થવાં સાથે ફ્રૂટ ફ્લાય નિદ્રાધીન થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter