લંડન તરફ દરરોજ મુસાફરી કરતા ૫૪૫,૦૦૦ પ્રવાસીને ધ્યાનમાં લઈએ તો પાંચમાંથી એક રોજિંદા પ્રવાસીએ ઊભાં ઊભાં અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તેમ કામના સ્થળે જવાની ફરજ પડે તેવી ભીડ તેમાં રહે છે. ૪૭ મિનિટના પ્રવાસમાં પાસે ઊભેલી વ્યક્તિના પરસેવાની કે તેણે લગાવેલી શેવિંગ જેલની ગંધ નાકમાં ઘૂસી જાય છે. ટ્રેન ચાલવા અને થોભવાના દરેક ધક્કા સાથે તમે લોકો સાથે અથડાતાં રહો છો.
ગયા મહિને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા જારી કરાયેલાં આંકડા મુજબ આ સાઉથ વેસ્ટ ટ્રેઈન્સ સર્વિસને બ્રિટનમાં સૌથી વધુ ભીડ ધરાવતી ૧૦ ટ્રેનની યાદીમાં પ્રથમ સ્થાન અપાયું હતું. આ ટ્રેન ૧૫૪ ટકા ઓવરલોડ રહે છે, જેનો અર્થ એ છે કે દરરોજ ૧,૨૭૮ પ્રવાસી વાર્ષિક ૩,૫૦૦ પાઉન્ડની માતબર રકમ ખર્ચવા છતાં ૭૩૮ સીટ્સ માટે સંગીતખુરસીની રમત રમતા હોય તેવું લાગે છે.