લંડનઃ પારિવારિક સોનાની લૂટની ઘટનાઓમાં થઇ રહેલા વધારાના પગલે પોલીસે એશિયન સમુદાયના લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે. ઇસ્ટલેહ અને સાઉધમ્પ્ટન વિસ્તારમાં આ વર્ષે પારિવારિક સોનાની લૂટની 19 ઘટના નોંધાઇ હોવાનું હેમ્પશાયર પોલીસે જણાવ્યું હતું. લૂટની ભોગ બનેલી એક મહિલાએ જણાવ્યું હતું કે મારા બેડરૂમમાં બે લૂટારા ઘૂસી આવ્યા હતા અને મારા વોર્ડરોબમાં રહેલા 20,000 પાઉન્ડના ઘરેણાની લૂટ ચલાવી હતી. ઇસ્ટલેહ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ચીફ ઇન્સ્પેક્ટર મેટ પાલિંગે જણાવ્યું હતું કે, સુનિયોજિત રીતે આ પ્રકારની લૂટ કરવામાં આવી રહી છે. તેમણે ગયા મહિનામાં સાઉધમ્પ્ટનમાં આવેલા વેદિક સોસાયટી હિન્દુ મંદિરની મુલાકાત લઇને લોકોને સલાહ આપવાની સાથે સહાયનું પણ આશ્વાસન આપ્યું હતું.
પાલિંગે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, સોનાની ચોરી અને લૂટની ઘટનાઓમાં વધારો થયો છે. અમે આ પ્રકારની ઘટનાઓ અટકાવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ સાથે સાથે જનતાએ પણ સાવધ રહેવાની જરૂર છે. આપણે આ પ્રકારના અપરાધ ઘટાડવાની જરૂર છે. હું નથી ઇચ્છતો કે જનતા આ પ્રકારના અપરાધનો ભોગ બને. અમે ઇચ્છીએ છીએ કે તેઓ અમારી સલાહ પર ધ્યાન આપે.
ચિલવર્થમાં રહેતા પ્રીતિ નાયરના ઘરમાં લૂટ થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, લૂટારા મારા ઘરનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા. તેમાંથી બે મારા બેડરૂમમાં આવી ગયા હતા. હું ચીસો પાડતી નીચે દોડી ગઇ હતી. તેઓ મારા વોર્ડરોબમાંથી 20,000 પાઉન્ડના સોનાના ઘરેણા લૂટી ગયા હતા.
બીબીસીએ ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન અંતર્ગત પ્રાપ્ત કરેલી માહિતી અનુસાર ડોરસેટ પોલીસના વિસ્તારમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આ પ્રકારની લૂટના આઠ બનાવ બન્યા હતા. જેમાં 90,000 પાઉન્ડ કરતાં વધુના સોનાની લૂટ કરાઇ હતી. 2023માં આ પ્રકારની 13 ઘટનામાં 3,30,000 પાઉન્ડના ઘરેણાની લૂટ કરાઇ હતી.
સરે પોલીસના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન લૂટના 23 બનાવ બન્યાં હતાં જેમાં 1,10,000 પાઉન્ડના સોનાની લૂટ કરાઇ હતી. 2023માં તેમના વિસ્તારમાં કુલ 36 ઘટનામાં 25,000 પાઉન્ડનું સોનુ લૂટાયું હતું. પોલીસ જનતાને અને વિશેષ કરીને એશિયન સમુદાયના લોકોને તેમનું પારિવારિક સોનુ બેન્ક લોકરમાં મૂકવાની સલાહ આપી રહી છે.