લંડનઃ સિંગાપોરમાં કોરોના વાઈરસ લોકડાઉનનો ભંગ કરનારા ચાર બ્રિટિશ નાગરિકોને ત્યાં કામ કરવાનો પ્રતિબંધ લગાવાયો છે અને દરેકને ૫,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. નીલ ગોર્ડન બુચાન (૩૦), પેરી સ્કોટ બ્લેર (૩૭), જેમ્સ ટિટસ બીટ (૩૩), અને જોસેફ વિલિયમ પોઈન્ટર (૩૫) બારમાં ડ્રિન્કિંગ કરવા જઈને લોકડાઉન નિયમોનો ભંગ કર્યો હતો. તેમની સાથે અમેરિકન દંપતી જેફ્રી જ્યોર્જ બ્રાઉન (૫૨) અને બાઓ ન્ગુયેન બ્રાઉન (૪૦) અને ૪૫ વર્ષીય ઓસ્ટ્રિયન માઈકલ ઝેર્નીને પણ સજા કરાઈ હતી. વધુ બે બ્રિટિશર આલ્ફેડ વેલોસો વોરિંગ (૩૪) અને ઓલાગુન્જુ ડેનિયલ ઓલાલેકાન ઓલાસુન્કાન્મી (૩૦) પર પણ આ જ દિવસે, તે જ વિસ્તારમાં ડ્રિન્કિંગનો આરોપ લગાવાયો છે પરંતુ, તેમના કેસ હજુ પેન્ડિંગ છે અને ૭ જુલાઈએ તેમને કોર્ટમાં હાજર થવાનું છે.
સિંગાપોરમાં બાર માટે પ્રખ્યાત સ્થળ રોબર્ટસન ક્વાય ખાતે લોકો ભેગા મળીને શરાબ પીતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા સાથે ભારે રોષ ફેલાયો હતો. જોકે, આ તસવીરમાં સજા કરાયેલા બ્રિટિશ કે અમેરિકન નાગરિક હતા કે કેમ તે સ્પષ્ટ થયું નથી. ચાર બ્રિટિશરે ૧૬ મેએ લોકડાઉન નિયમોનો ભંગ કર્યાનું સ્વીકાર્યું હતું. તેઓ એક બારમાં સાથે મળી ગયા પછી અન્ય બે સ્થળોએ ડ્રિન્ક્સ ખરીદવા ગયા હતા. તેમણે રોડ પર ઉભા રહી ૨૫ મિનિટ ડ્રિન્ક્સ પીવા અને ધૂમ્રપાનમાં ગાળી હતી અને પછી પોતાના ઘેર ગયા હતા.
સિંગાપોરને લોકડાઉન કર્યા વિના કોરોના વાઈરસને અંકુશ હેઠળ લાવવા બદલ પ્રશંસા થઈ હતી પરંતુ, માઈગ્રન્ટ વર્કર્સમાં રોગચાળો ફેલાયા પછી કેસીસ વધતા ૭ એપ્રિલથી કડક પગલાં જાહેર કરાયા હતા. લોકોને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા સિવાય બહાર નહિ જવા તેમજ એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવા જણાવાયું હતું. પ્રોસીક્યુટર્સે દાખલો બેસાડવા બ્રિટિશરોને એક સપ્તાહની જેલ કરવાની માગણી પણ કરી હતી, જેનો બચાવપક્ષે તીવ્ર વિરોધ કર્યા પછી કોર્ટે દંડ અને કામ પર પ્રતિબંધની સજા ફરમાવી હતી.
સિંગાપોરે લોકડાઉન નિયમોના ભંગ બદલ ૧૪૦ લોકોના વર્ક પાસીસ રદ કર્યાની જાહેરાત કરી છે જેમાંથી, ૯૮ને બહાર સમૂહમાં ખાવા, પીવા કે એકઠા થવા માટે સજા કરાઈ છે. અન્ય ૪૨ લોકો ઘરમાં જ રહેવાના કે ક્વોરેન્ટાઈન આદેશોના ભંગ બદલ પકડાયા હતા.