સીમા મિશ્રા સામે કેસ લડનાર પોસ્ટ ઓફિસના વકીલ હોરાઇઝનની ખામી જાણતા હતા

સીમા મિશ્રા ગર્ભવતી હતા ત્યારે જ જેલમાં ધકેલી દેવાયાં હતાં

Tuesday 07th May 2024 12:40 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ ઇન્કવાયરી સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, ગર્ભવતી સબ પોસ્ટ મિસ્ટ્રેસ સીમા મિશ્રા સામેના ખટલાના પ્રારંભ પહેલાં જ પોસ્ટ ઓફિસના ટોચના પૂર્વ લોયર સારી રીતે જાણતા હતા કે હોરાઇઝન આઇટી સિસ્ટમમાં ખામીઓ છે. તેમ છતાં તેમણે ખટલાની સુનાવણીમાં આ માહિતી છૂપાવી હતી.

પોસ્ટ ઓફિસનમા પૂર્વ સીનિયર ઇન હાઉસ લોયર જરનૈલ સિંહને આ અંગેનો રિપોર્ટ ઇમેઇલ પણ કરાયો હતો અને તેમણે તેને કોપી કરીને પ્રિન્ટ પણ કાઢી હતી તેમ છતાં તેમણે હોરાઇઝન આઇટી સિસ્ટમમાં ખામીઓ અંગે અજાણ હોવાનો દાવો કર્યો હતો.

ઓક્ટોબર 2010માં સીમા મિશ્રાના કેસની સુનાવણીનો પ્રારંભ થયાના 3 દિવસ પહેલાં જ જરનૈલ સિંહને આ રિપોર્ટ મોકલી અપાયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હોરાઇઝન આઇટી સિસ્ટમમાં રહેલી ખામીના કારણે પેમેન્ટની રિસિપ્ટો મેચ થઇ શક્તી નથી.

2010માં સીમા મિશ્રાને 15 મહિનાની કેદ ફટકારવામાં આવી તે સમયે તેઓ 8 સપ્તાહનો ગર્ભ ધરાવતા હતા. તેમના પર 74,000 પાઉન્ડની ઉચાપતનો આરોપ મૂકાયો હતો. તેમને જેલમાં મોકલાયા તે દિવસે તેમના પ્રથમ પુત્રનો 10મો જન્મ દિવસ હતો.

પોસ્ટ ઓફિસના કાર્યકારી ચેરમેન પદે નાઇજલ રેઇલટનની નિયુક્તિ

જાન્યુઆરીમાં હેન્રી સ્ટાઉન્ટનને પોસ્ટ ઓફિસના ચેરમેન પદેથી બરતરફ કરાયાના 3 મહિના બાદ સરકારે કેમલોટના પૂર્વ વડા નાઇજલ રેઇલટનની પોસ્ટ ઓફિસના કાર્યકારી વડા તરીકે નિયુક્તિ કરી છે. નિયુક્તિની જાહેરાત બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોક દ્વારા કરાઇ હતી. નાઇજલ રેઇલટન 24 વર્ષ સુધી નેશનલ લોટરી ઓપરેટર કેમલોટ ખાતે ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે આ પદેથી ગયા વર્ષે જ રાજીનામુ આપ્યું હતું. તેઓ બ્રિટિશ રેલ અને કાર ઉત્પાદક દાઇવુ માટે પણ કામ કરી ચૂક્યાં છે.

બેડનોકે જણાવ્યું હતું કે, જરૂરીયાતના સમયે સરકારી સેવામાં જોડાવા માટે હું રેઇલટનની આભારી છું. મને વિશ્વાસ છે કે તેઓ પોસ્ટ ઓફિસની ભૂતકાળની સમસ્યાઓના ઉકેલ લાવવામાં મદદરૂપ બનશે.

હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સેંકડો સબ પોસ્ટમાસ્ટરો વળતરની રાહ જોઇ રહ્યાં છે તેવા સમયે જ રેઇલટનની નિયુક્તિ કરાઇ છે. પોસ્ટ માસ્ટરોનો મુદ્દો રેઇલટન માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.

ફુજિત્સુએ બ્રિટિશ પાંખને 200 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી

પોસ્ટ ઓફિસ હોરાઇઝન સિસ્ટમ માટે જવાબદાર જાપાનની ફુજિત્સુ કંપનીએ તેની યુકેની પાંખ માટે 200 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે. કંપની હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોને વળતરમાં યોગદાન આપે તેવા સંકેત આ પગલાં પરથી મળી રહ્યાં છે. હાલ સરકાર ફુજિત્સુ સાથે પીડિત પોસ્ટ માસ્ટરોને વળતરની ચૂકવણી મામલે વાટાઘાટો કરી રહી છે. સરકારે આ માટે 1 બિલિયન પાઉન્ડનું ભંડોળ અલગથી ફાળવી રાખ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે ફુજિત્સુ આ વળતરમાં કેટલું યોગદાન આપે છે.

પોસ્ટ ઓફિસ સબ પોસ્ટમાસ્ટરોને પોતાના દુશ્મન તરીકે જોતી હતી

પોસ્ટ ઓફિસની શાખાઓમાં હિસાબમાં ગેરરિતી માટે હોરાઇઝન આઇટી સિસ્ટમને જવાબદાર ગણાવનારા પોસ્ટ ઓફિસ ઓપરેટરોને પોસ્ટ ઓફિસના તપાસકર્તાઓ કંપનીના દુશ્મન તરીકે જોતાં હતાં. પબ્લિક ઇન્કવાયરી સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, 2013માં એકાઉન્ટિંગ ફર્મ સેકન્ડ સાઇટ ખાતે તપાસકર્તાઓ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં હોરાઇઝન આઇટી સિસ્ટમ અંગે પ્રવર્તતી શંકાઓનું સમાધાન કરવા જણાવવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter