સુગર ટેક્સથી બાળ સ્થૂળતામાં ૧૦ ટકાના ઘટાડાની આગાહી

Monday 02nd January 2017 09:42 EST
 
 

લંડનઃ સરકાર દ્વારા એપ્રિલ ૨૦૧૮થી સુગર ટેક્સ લાગુ કરવામાં આવશે તેનાથી પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓમાં સ્થૂળતાના કેસમાં ૧૦ ટકાનો ઘટાડો થવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. સોફ્ટ ડ્રિન્ક્સ પર ટેક્સના કારણે બાળકો અને વયસ્કોમાં સ્થૂળતાના ૧૪૪,૦૦૦ કેસ ઓછાં થશે તેમ મનાય છે. સૌથી વધુ અસર ૧૧ વર્ષથી ઓછી વયના બાળકો પર થશે, જ્યાં ૪૫,૭૦૦ કેસ ઓછાં જણાશે. આ ઉપરાંત, ડાયાબિટીસ-ટુના વાર્ષિક ૨૯,૦૦૦ કેસ ઓછાં થશે. યુકેમાં કુલ ૧૫.૫ મિલિયન લોકો સ્થૂળ છે, જેમાં અંડર-૧૮ના કુલ ૧.૩૬ મિલિયન, ૪-૧૦ વયજૂથના ૪૬૫,૦૦૦ બાળકોનો સમાવેશ થાય છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ગણતરી અનુસાર ખાંડથી ભરપૂર ડ્રિન્ક્સ પર સુગર ટેક્સના લક્ષ્યાંક પાર પડશે તો બાળકો અને વયસ્કોમાં સ્થૂળતાના ૧૪૪,૦૦૦ કેસ ઓછાં થશે, જેમાં સૌથી વધુ અસર ૧૧ વર્ષથી ઓછી વયના મેદસ્વી બાળકોમાં કુલ સંખ્યાના ૯.૮ ટકા અથવા ૪૫,૭૦૦ કેસ ઓછાં જણાશે. દાંતમાં સડાની ફરિયાદ કરનારામાં પણ ૨૬૯,૦૦૦ લોકો ઘટી જશે.

એપ્રિલ ૨૦૧૮થી લાગુ થનારો સુગર ટેક્સ દ્વિસ્તરીય હશે, જેમાં સોફ્ટ ડ્રિન્ક્સમાં ૧૦૦ મિલિલિટર દીઠ આઠ ગ્રામથી વધુ સુગર હશે તે ‘હાઈ સુગર’ માટે પ્રતિ લિટર ૨૪ પેન્સનો, જ્યારે ૧૦૦ મિલિલિટર દીઠ પાંચ ગ્રામની ‘મધ્યમ સુગર’ માટે પ્રતિ લિટર ૧૮ પેન્સનો ટેક્સ લાગુ થશે. Lancet Public Health મેડિકલ જર્નલમાં લખતા સંશોધકોએ આગાહી કરી છે કે ટેક્સ ભરવાની જવાબદારી ઘટાડવા ઉત્પાદકો તેમની પેદાશોને રીફોર્મ્યુલેટ કરશે. હાઈ સુગર ડ્રિન્ક્સમાં સુગરના પ્રમાણમાં અંદાજિત ૩૦ ટકા, જ્યારે મધ્યમ સુગર ડ્રિન્ક્સ માટે ૧૫ ટકાનો કાપ મૂકાશે. કેટલાક ઉત્પાદકોએ તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter