લંડન: વિવિધ પ્રકારના વિવાદોનો સામનો કરી રહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની કેબિનેટમાં સૌથી મહત્ત્વના ગણાતા ચાન્સેલર રિશી સુનક અને આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે નાટકીય રીતે રાજીનામા ધરી દીધાં હતાં. બોરિસ જ્હોન્સને આરોગ્યમંત્રી પદે તાત્કાલિક સ્ટિવ બાર્કલેની નિયુક્તિ કરી હતી જ્યારે ચાન્સેલર પદે નદીમ ઝહાવીની નિયુક્તિ કરાઈ હતી.
બોરિસ જ્હોન્સનને પાઠવેલા રાજીનામા પત્રમાં સુનકે જણાવ્યું હતું કે, હું આ રીતે કામ કરી શકું તેમ નથી. હું સારા માટે મારી મંત્રી તરીકેની કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું. જનતા ઇચ્છે છે કે સરકાર ગંભીરતાથી અને સારી રીતે દેશનું શાસન ચલાવે. હું જાણું છું કે મંત્રી તરીકેની આ મારી છેલ્લી કામગીરી હશે પરંતુ હું માનું છું કે મારા આ સિદ્ધાંતો લડત આપવા માટે પુરતા છે અને તેથી હું રાજીનામુ આપી રહ્યો છું. ટ્વિટર પર જારી કરેલા નિવેદનમાં સુનકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી, યુક્રેન યુદ્ધ અને અન્ય ગંભીર પડકારોના કારણે સમગ્ર વિશ્વ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ચાન્સેલર પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય મારા માટે સરળ નહોતો.
આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે પણ બોરિસ જોનસન પર જાહેરમાં પ્રહારો કરતાં તેમની વિશ્વસનિયતા અને દેશહિતમાં કામ કરવાની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારે અત્યંત ખેદ સાથે કહેવું પડે છે કે હું આ સરકારમાં કામ કરી શકું તેમ નથી. હું એક ટીમ પ્લેયર છું પરંતુ બ્રિટિશ જનતા પણ તેમની સરકાર પાસે વિશ્વસનિયતા ઇચ્છે છે. તમારા નેતૃત્વમાં પરિસ્થિતિમાં કોઇ બદલાવ આવવાનો નથી. હું તમારા પરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છું.
બોરિસ જોનસન હવે સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને ભય છે કે અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ રાજીનામા આપી શકે છે. જોકે નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબ, વિદેશ મંત્રી લિઝ ટ્રુસ, ગૃહમંત્રી પ્રીતી પટેલ અને સંરક્ષણ મંત્રી બન વોલેસ જાહેરાત કરી છે કે તેઓ રાજીનામા આપી રહ્યા નથી.
હજુ એક મહિના પહેલા જ જોનસને માંડ માંડ વિશ્વાસમત હાંસલ કર્યો હતો
જૂન મહિનાના પ્રારંભે જ બોરિસ જોનસન સામે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઇ હતી. જેમાં 59 ટકા મત સાથે જોનસને વિશ્વાસમત હાંસલ કર્યો હતો. તમામ 211 ટોરી સાંસદોએ પીએમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે જોનસનની વિરુદ્ધમાં 148 મત પડ્યાં હતાં. પોતાની સામે બળવાની આશંકા વચ્ચે પ્રાપ્ત કરેલા વિશ્વાસ મતે જોનસનને થોડી રાહત આપી હતી.
સુનક ભારત સાથે સંશોધન, ટેકનોલોજી અને વિજ્ઞાન આધારિત સંબંધો ઇચ્છતા હતા
ચાન્સેલરપદેથી રાજીનામુ આપ્યા પહેલાં અમારા સહપ્રકાશન એશિયન વોઇસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારત અંગેની ધારણાઓ વાસ્તવિકતા સાથે સંલગ્ન નથી. ભારત અત્યારે સૌથી વધુ યુનિકોર્ન ધરાવતો વિશ્વના ત્રીજા ક્રમનો દેશ છે. ભારતમાં સૌથી વધુ મોબાઇલ ફોન ધરાવતા દેશોમાં બીજા ક્રમે આવે છે. ભારત સૌથી સક્રિય સોશિયલ મીડિયા માર્કેટ ધરાવતો દેશ છે. આધુનિક ભારતની વાસ્તવિકતા આ છે. હું ભારત સાથે સંશોધનો, ટેકનોલોજી અને સાયન્સ આધારિત ભાવિ સંબંધો અંગે વિચારુ છું. ભારતે આજે વિશ્વકક્ષાની કંપનીઓ ઊભી કરી છે. બ્રિટન અને ભારત વચ્ચેનો સંબંધ સમાન ભાગીદારીનો છે.
સાંસદ ક્રિસ પિનચેરને નિયુક્ત કરવાનું જ્હોન્સનને ભારે પડી ગયું
પીએમ બોરિસ જ્હોન્સનને વિવાદાસ્પદ સાંસદ ક્રિસ પિનચેરને ડેપ્યુટી ચીફ વ્હીપના વદે નિયુક્ત કરવાનું ભારે પડી ગયું હતું. જોનસને કબૂલાત કરી હતી કે પિનચેરને નિયુક્ત કરીને મેં ગંભીર ભૂલ કરી છે. હું તેના માટે માફી માગુ છું. મારી ભૂલના કારણે જેમને પણ અસર થઇ છે તે તમામની હું માફી માગુ છું. મારે પિનચેરને બરખાસ્ત કરી નાખવાની જરૂર હતી.