લંડનઃ 2024ની સંસદની ચૂંટણીની જાહેરાત બાદ પહેલીવાર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન રિશી સુનાક અને લેબર નેતા સર કેર સ્ટાર્મર વચ્ચે ટેલિવિઝન પર ચર્ચા યોજાઇ હતી. બંને નેતાઓ વચ્ચે મતદારોને સ્પર્શતા સંખ્યાબંધ મુદ્દા પર સીધો ટકરાવ જોવા મળ્યો હતો. ગયા મંગળવારે આઇટીવી પર યોજાયેલી એક કલાકની આ ડિબેટને પાંચ મિલિયન લોકોએ નિહાળી હતી. બંને નેતાઓએ સૌથી પહેલાં એકબીજાની આર્થિક નીતિઓ પર ચર્ચાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ એનએચએસમાં હડતાળો અને વેઇટિંગ લિસ્ટ, પ્રાઇવેટ હેલ્થકેર અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા બંને નેતાઓ વચ્ચે જોવા મળી હતી.
અર્થતંત્ર અને કરવેરા
રિશી સુનાકઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ડામવા માટેની મારી નીતિ અને યોજના કામ કરી રહી છે. ફુગાવાના દરમાં ઘટાડો થયો છે અને અર્થતંત્ર વૃદ્ધિ કરી રહ્યું છે. જો લેબર પાર્ટી સત્તામાં આવશે તો દરેક નોકરિયાત પરિવારના માથે 2000 પાઉન્ડના વધારાના કરવેરાનો બોજો પડશે.
કેર સ્ટાર્મરઃ સુનાક જે 2000 પાઉન્ડની વાત કરી રહ્યાં છે તે તદ્દન બકવાસ છે. તેમની સરકાર નિયંત્રણ ગુમાવી બેઠી છે. સુનાક અને તેમના પુરોગામી લિઝ ટ્રસે અર્થતંત્રનું સત્યાનાશ કર્યું છે.
એનએચએસ વેઇટિંગ લિસ્ટ અને હડતાળો
રિશી સુનાકઃ હું વડાપ્રધાન બન્યો ત્યારથી એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવું મારી ટોચની પ્રાથમિકતા પૈકીની એક રહી છે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટી રહ્યું છે. જોકે રિશી સુનાક એનએચએસમાં જુનિયર ડોક્ટરોની હડતાળ પર વિશેષ સ્પષ્ટતા કરી શક્યાં નહોતાં.
કેર સ્ટાર્મરઃ સુનાકે પ્રતિજ્ઞા લીધી પછી આજે એનએચએસમાં વધુ દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. પહેલાં વેઇટિંગ લિસ્ટ 7.2 મિલિયન હતું જે હવે 7.5 મિલિયન પર પહોંચી ગયું છે. હડતાળોના મામલે સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અર્થતંત્રની સ્થિતિ ખરાબ હોવાના કારણે અમે સત્તામાં આવીશું તો જુનિયર ડોક્ટરોની માગ સંતોષી શકીશું નહીં. ડોક્ટરો સાથે બેસીને પુખ્તતાથી હડતાળોનો અંત લાવવો પડશે.
પ્રાઇવેટ હેલ્થકેર
રિશી સુનાકઃ એનએચએસમાં વેઇટિંગના કારણે તમારા કોઇ પરિવારજનની સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવશો તેવા સવાલના જવાબમાં સુનાકે હા કહ્યું હતું.
કેર સ્ટાર્મરઃ સમાન સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ના. હું પ્રાઇવેટ હોસ્પિટલનો ઉપયોગ કરતો નથી. હું મારી પત્ની જ્યાં કામ કરે છે તે એનએચએસમાં સારવાર લઉં છું. એનએચએસ મારા ડીએનએમાં છે.
ઇમિગ્રેશન
રિશી સુનાકઃ જો હું ફરીવાર વડાપ્રધાન બનીશ તો જુલાઇમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા લઇ જતી ફ્લાઇટનો પ્રારંભ થઇ જશે. અમે અમારી રવાન્ડા યોજનાને વળગી રહીશું. પરંતુ લેબર સરકાર આવશે તો તેઓ યુકેની સડકો પર ફરતા હશે.
કેર સ્ટાર્મરઃ રિશી સુનાક ઇમિગ્રેશનમાં અત્યાર સુધી સૌથી વધુ છૂટછાટ આપનારા વડાપ્રધાન છે. ઇંગ્લિશ ચેનલ દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને લઇને આવતી હોડીઓ અટકાવવામાં રિશી સુનાક સંપુર્ણ નિષ્ફળ ગયા છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં રહીને રાજ્યાશ્રયવાંચ્છુઓને ત્રીજા દેશોમાં મોકલવાના પક્ષમાં છીએ.
પ્રાઇવેટ એજ્યુકેશન
રિશી સુનાકઃ આકરો પરિશ્રમ કરીને પોતાના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા ઇચ્છતા વાલીઓને સંપુર્ણ સ્વતંત્રતા હોવી જોઇએ.
કેર સ્ટાર્મરઃ એનએચએસની જેમ પ્રાઇવેટ એજ્યુકેશન સિસ્ટમ પણ પડી ભાંગી છે. શું તમને આ બંનેમાં કોઇ સામ્યતા દેખાતી નથી. 14 વર્ષના શાસનમાં કન્ઝર્વેટિવોએ આ મામલે કશું કર્યું નથી.