લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકની પ્રાઇવેટ જેટની યાત્રાઓનો ખર્ચ ઉઠાવનાર ઉદ્યોગપતિ અખિલ ત્રિપાઠીની 14 મિલિયન પાઉન્ડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. અખિલ ત્રિપાઠી પર તેમના મેડિકલ ડિવાઇસ સ્ટાર્ટ અપમાં મૂડીરોકાણકારો સાથે છેતરપિંડીનો કેસ દાખલ કરાયા બાદ હાઇકોર્ટના આદેશથી આ જપ્તી કરાઇ છે. એ
એપ્રિલ 2023માં વડાપ્રધાન રિશી સુનાકના વેલ્સ અને સ્કોટલેન્ડના પ્રવાસ માટે જેટ વિમાન ભાડે લેવા 38,500 પાઉન્ડ ચૂકવ્યા બાદ અખિલ ત્રિપાઠી લાઇમલાઇટમાં આવ્યા હતા. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના ડોનર છે. અખિલ પર તેમના સ્ટાર્ટ અપના સંખ્યાબંધ પૂર્વ ડિરેક્ટરો અને રોકાણકારોએ ગેરમાર્ગે દોરવાનો આરોપ અખિલ ત્રિપાઠી પર લગાવ્યો હતો.
કોર્ટના દસ્તાવેજો અનુસાર હાઇકોર્ટના જજે અખિલ ત્રિપાઠીની સમગ્ર વિશ્વમાં આવેલી સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં બેલગ્રેવિયામાં આવેલ લક્ઝરી હાઉસ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ ખાતેની કંપનીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે ત્રિપાઠીને તેમની જીવનજરૂરીયાત માટે સપ્તાહના 5000 પાઉન્ડ ખર્ચવાની અનુમતી આપી છે.
અખિલ ત્રિપાઠીની સંપત્તિની જપ્તી બાદ વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ત્રિપાઠીને અપાયેલી સુવિધાઓ પર સવાલો સર્જાઇ રહ્યાં છે.