લંડનઃ લીગલ માઇગ્રેશનમાં ઘટાડો કરવાની સુનાક સરકારની નીતિઓ કામ કરી રહી હોવાનો દાવો કરાયો છે. હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા નવા આંકડા અનુસાર સ્ટુડન્ટ, હેલ્થકેર અને સ્કીલ્ડ વર્કર વિઝા માટેની અરજીઓમાં 25 ટકા જેવો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2023ના પ્રથમ 3 માસમાં આ કેટેગરીના વિઝા માટે 1,84,000 અરજી મળી હતી તેની સામે 2024ના પ્રથમ 3 માસમાં આ અરજીઓની સંખ્યા ઘટીને 1,39,100 પર આવી ગઇ હતી.
સૌથી મોટો ઘટાડો 44 ટકાનો સ્ટુડન્ટ વિઝાની અરજીમાં નોંધાયો છે. 2023ના પ્રથમ 3 માસમાં સ્ટુડન્ટ વિઝા માટે 72,800 અરજી મળી હતી તેની સામે 2024ના પ્રથમ 3 માસમાં 40,700 અરજી જ પ્રાપ્ત થઇ હતી.
ડિપેન્ડન્ટ સ્ટડી વિઝાની અરજીની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. 2023ના પ્રથમ ત્રિમાસિકની 32,900 અરજી સામે 2024ના પ્રથમ ત્રિમાસિકમાં ફક્ત 6700 અરજી મળી છે.
હેલ્થ એન્ડ કેર વિઝાની અરજીઓમાં પણ 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં 82,900 અરજીની સામે 2024ના આજ સમયગાળામાં 59,500 અરજી જ પ્રાપ્ત થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુનાક સરકાર દ્વારા નેટ ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા માટે જાન્યુઆરી 2024 પછી શ્રેણીબદ્ધ પગલાં લેવાયાં છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હવે તેમના પરિવારજનોને બ્રિટન બોલાવી શક્તાં નથી. હેલ્થ એન્ડ કેર સેક્ટરના વિઝાધારકોને પણ આશ્રિતોને બ્રિટનમાં બોલાવવા પર રોક લગાવી દેવાઇ છે. ફેમિલી વિઝા અને સ્કીલ્ડ વર્કર વિઝા માટેની આવક મર્યાદામાં પણ મોટો વધારો કરાયો છે. આ તમામ પગલાંને કારણે બ્રિટનમાં લીગલ ઇમિગ્રેશનની અરજીઓમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.