સુનાકે પાયો નાખી દીધો છે, પુનઃનિર્માણ માટે તેમને સમર્થન આપવાની જરૂર

ચાલો ઉજ્જવળ ભવિષ્ય માટે સુનાકને સમર્થન આપીને સાતત્ય અને સ્થિરતાની પસંદગી કરીએ. સુનાકના નેતૃત્વમાં યુકે કોઇપણ અવરોધ પાર કરીને અગાઉ ક્યારેય નહોતો એટલો મજબૂત દેશ બની શકશે

લોર્ડ ડોલર પોપટ, વડાપ્રધાનના યુગાન્ડા, રવાન્ડા અને ડીઆરસીના વેપાર રાજદૂત Tuesday 11th June 2024 12:10 EDT
 
 

છેલ્લા પાંચ વર્ષમાં યુનાઇટેડ કિંગડમની ક્ષમતાની અણધારી રીતે પરીક્ષા થઇ. કોરોનાની વૈશ્વિક મહામારી, યુક્રેન પર રશિયાના અચાનક આક્રમણ જેવા પડકારો મધ્યે દેશને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી. આકરી કસોટીમાં એક એવા વ્યક્તિની જરૂર હતી જે આશા અને પ્રતિબદ્ધતાની દીવાદાંડી બનીને ઊભી રહે અને તે વ્યક્તિ છે વડાપ્રધાન રિશી સુનાક.

ઓક્ટોબર 2022માં વડાપ્રધાન બન્યા ત્યારથી રિશી સુનાકે મુશ્કેલ સમયોમાંથી પસાર થઇ રહેલા દેશને બહાર લાવવા અપ્રતિમ પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે અથાક પ્રયાસો દ્વારા અર્થતંત્રને બેઠું કરવા અને દેશ સામે રહેલા પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ આપણે ફુગાવાના દરને સામાન્ય સ્તર પર આવતા જોયો છે, નોકરિયાત પરિવારોને ટેક્સમાં રાહત અપાઇ છે, પેન્શનરોને વિક્રમજનક સહાય મળી છે અને એનર્જી બિલોમાં સતત ઘટાડો પણ થયો છે. જોકે હજુ લક્ષ્યાંક દૂર છે પરંતુ આર્થિક રીકવરી માટે સુનાકે પાયો નાખી દીધો છે.

વડાપ્રધાન સુનાકના નેતૃત્વના પુરાવા આપણી સામેના પરિણામો છે. યુકે ન કેવળ જર્મની અને ફ્રાન્સ જેવા ઇકોનોમિક પાવર હાઉસની જેમ ઝડપથી આગળ વધી રહ્યો છે પરંતુ વિશ્વમાં ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ પણ બન્યો છે. આ સિદ્ધીઓ ન કેવળ સુનાકના નેતૃત્વમાં મેળવાઇ છે પરંતુ વિપરિત સમય સામે લડવામાં યુકેની ક્ષમતા પણ દર્શાવે છે.

જોકે સંપુર્ણ રિકવરીની મુસાફરી હજુ લાંબી છે. પરંતુ આપણે આપણી સામે રહેલા પડકારોને ઝીલી લેવામાં વડાપ્રધાન રિશી સુનાકની પડખે રહીએ તે મહત્વનું છે. આપણે પોતાને એક સવાલ કરવો જોઇએ કે આપણે આ પાયાને આપણા અને આપણા પરિવારના સુરક્ષિત ભાવિમાં કેવી રીતે બદલી શકીએ? પસંદગી સ્પષ્ટ છે. કસોટીના આ સમયમાં સુનાકે યુકેના નેતૃત્વ માટે જરૂરી વીઝન અને પ્રતિબદ્ધતા દર્શાવ્યાં છે. તે ઉપરાંત સુનાકનું વડાપ્રધાન બનવું પણ વ્યાપક મહત્વ ધરાવે છે.

પ્રથમ બ્રિટિશ ભારતીય વડાપ્રધાન તરીકે સુનાક પ્રગતિ અને એકતાનું પ્રતીક બની ગયાં છે. તેમનું નેતૃત્વ ન કેવળ અવરોધોને પાર કરે છે પરંતુ સમગ્ર યુકેમાં બાળકો અને વિશેષ કરીને ઇમિગ્રન્ટ બેકગ્રાઉન્ડ ધરાવતા બ્રિટિશ એશિયન સમુદાય માટે પ્રેરણાદાયી છે. સુનાકની સફળતા શક્તિશાળી સંદેશો આપે છે કે આકરા પરિશ્રમ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરો તો યુકેમાં કશું અશક્ય નથી.

રિશી સુનાક સિદ્ધીઓનો અનોખો ટ્રેક રેકોર્ડ ધરાવવાની સાથે ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન પણ ધરાવે છે. તેઓ વિદ્યાર્થીઓને મદદ નહીં કરતા યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં મોકલવાને બદલે તેમના માટે એપ્રેન્ટિસશિપના દ્વાર ખોલીને વધુ તકો આપવા ઇચ્છે છે. તેમણે રવાન્ડા યોજના દ્વારા ઇમિગ્રેશન પર લગામ કસવાનું પણ શરૂ કરી દીધું છે.

એનએચએસ આપણા બધા માટે અત્યંત મહત્વની છે પરંતુ કોરોના મહામારીની તેના પર વિપરિત અસર પડી છે. હાલમાં પ્રતિ વર્ષ 192 બિલિયન પાઉન્ડ આરોગ્ય પાછળ ખર્ચ કરાય છે અને હેલ્થકેરને વધુ અસરકારક બનાવવાના પ્રયાસ શરૂ કરી દેવાયાં છે.

સારાંશમાં કહીએ તો રિશી સુનાકનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સ્થિતિસ્થાપકતા, વ્યવહારિકતા અને પ્રગતિના અવિરત પ્રયાસોનું પ્રતીક બની રહ્યો છે. સુનાકના નેતૃત્વએ દેશને સૌથી પડકારજનક સમયમાં માર્ગદર્શન આપવાની સાથે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો છે. હાલ આપણે એક ચૌરાહા પર ઊભા છીએ ત્યારે ચાલો ઉજ્જવળ ભવિષ્ય માટે સુનાકને સમર્થન આપીને સાતત્ય અને સ્થિરતાની પસંદગી કરીએ. સુનાકના નેતૃત્વમાં યુકે કોઇપણ અવરોધ પાર કરીને અગાઉ ક્યારેય નહોતો એટલો મજબૂત દેશ બની શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter