લંડનઃ દેશના સુપરમાર્કેટ્સ દ્વારા આરોગ્યપ્રદ ખાદ્યવિકલ્પોના સ્થાને જન્ક ફૂડના વેચાણને ભારે પ્રોત્સાહન અપાતું હોવાનું કન્ઝ્યુમર વોચડોગ સંસ્થા Which? દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર્સના અભ્યાસમાં જણાવાયું છે. ફળો અને શાકભાજીના ૩૩ ટકાને જ ભારે ડિસ્કાઉન્ટ આપવા સામે ૫૨ (બાવન) ટકા કન્ફેક્શનરી પ્રોડક્ટ્સને ડિસ્કાઉન્ટ અપાય છે. કુલ ૭૭,૧૬૫ પ્રમોશન્સના અડધાથી વધુ (૫૩ ટકા) બિનઆરોગ્યપ્રદ અથવા તો જન્ક ફૂડને ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચાણ પ્રોત્સાહન અપાય છે.
વોચડોગે આરોગ્યપ્રદ વિકલ્પો પર ભાવકાપ ઓફર તેમજ મીઠાઈઅને ગળ્યાં પીણાં જેવા જન્ક ફૂડ્સના પ્રમોશન્સ દૂર કરી મેદસ્વીતા સામેની લડાઈમાં સાથ આપવા રીટેઈલર્સને અપીલ કરી છે. સૂચિત સુગર ટેક્સની સર્વોચ્ચ કેટેગરીમાં આવે તેવાં ૬૯ ટકા બિનઆરોગ્યપ્રદ સોફ્ટ ડ્રિન્ક્સનું વધુ પ્રમોશન કરવામાં આવે છે. ખરીદારોના સર્વેમાં ૨૯ ટકાએ આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો વધુ મોંઘા હોવાથી તેની ખરીદી મુશ્કેલ પડતી હોવાનું કહ્યું હતું. અડધાથી વધુ ખરીદારોએ સારો ખોરાક ખરીદી શકાય તે માટે સુપરમાર્કેટોએ તેમની પ્રાઈસ પ્રમોશન ઓફર્સમાં આરોગ્યપ્રદ વિકલ્પોનો વધુ સમાવેશ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ગ્રાહક સંસ્થાએ ફેટ, સેચ્યુરેટ્સ, સુગર અને સોલ્ટ સાથેના ઉત્પાદનોને ઓછાં આરોગ્યપ્રદ ગણાવી રેડ લેબલ આપ્યું હતું, જ્યારે તાજાં, પ્રોસેસ નહિ કરાયેલાં ફળ અને શાકભાજીને આરોગ્યપ્રદ ગણાવ્યાં હતાં. સંસ્થાએ સરકારને વેળાસર ચાઈલ્ડહૂડ ઓબેસિટી સ્ટ્રેટેજી જાહેર કરવા અપીલ કરી હતી.