લંડનઃ યુકેની સુપ્રીમ કોર્ટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (BoE)માં રખાયેલા વેનેઝુએલાના ૧.૯૫ બિલિયન ડોલર (૧.૪ બિલિયન પાઉન્ડ)ના મૂલ્યના સોનાના જથ્થા પર નિકોલસ માડુરોની સરકારનો દાવો નકારી કાઢ્યો છે. પ્રમુખ માડુરોએ વેનેઝુએલામાં કોવિડ-૧૯ સામે લડવા સોનાના વેચાણમાંથી મળનાર નાણાનો ઉપયોગ કરાશે તેમ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણયથી કોર્ટ ઓફ અપીલના અગાઉના ચુકાદાને ઉલટાવી દીધો છે. આનો અર્થ એ થાય છે કે યુકે કાયદેસરના નેતા ગણાવે છે તેવા વિપક્ષીનેતા જુઆન ગુઆઈડો આ સુવર્ણજથ્થાનું શું કરવું તેનો નિર્ણય લઈ શકશે. જોકે, વ્યવહારમાં યુકે માડુરો વહીવટીતંત્ર સાથે કામ કરે છે. અગાઉ કોર્ટ ઓફ અપીલે વેનેઝુએલાના કાર્યકારી પ્રેસિડેન્ટ તરીકે ગુઆઈડોને આપેલી માન્યતા સ્પષ્ટ અને નિશ્ચિત હોવાના ૨૦૨૦ જુલાઈના ચુકાદાને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કોર્ટ ઓફ અપીલનો ચુકાદો અયોગ્ય છે કારણકે માડુરો કોઈ પણ હેતુસર પ્રેસિડેન્ટ તરીકે માન્ય નહિ હોવાનું તમામ બ્રિટિશ કોર્ટ્સે સ્વીકારી લેવું જોઈએ. જોકે, યુકે સરકારે ગુઆઈડોને માત્ર દેશના વડા તરીકે માન્યતા આપી છે કે સરકારના વડા તરીકે પણ માન્યતા આપી છે તે મુદ્દો તપાસવા કોમર્શિયલ કોર્ટને જણાવ્યું છે.
ગુઆઈડો અને માડુરોએ વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કના અલગ અલગ ગવર્નર્સની નિયુક્તિ કરી છે. વિશ્વના ૫૦થી વધુ દેશે કાયદેસર પ્રમુખ તરીકે માન્ય રાખ્યા છે તે જુઆન ગુઆઈડો સુવર્ણજથ્થાને BoEના વોલ્ટમાં જ રાખવા માગે છે. જોકે, પ્રમુખકીય પેલેસમાં રહેતા અને દેશની સરકાર, મિલિટરી અને પોલીસ પર અંકુશ ધરાવતા માડુરોએ આ ફંડ રીલિઝ કરવા BoE સામે દાવો કર્યો હતો. માડુરો મે ૨૦૧૮માં મોટા ભાગના વિપક્ષ દ્વારા બહિષ્કાર કરાયેલી વિવાદાસ્પદ ચૂંટણીમાં છ વર્ષની મુદત માટે ફરી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે સુવર્ણજથ્થાના નાણા કોરોના મહામારી સામે લડવા મેડિકલ સપ્લાય માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામને ટ્રાન્સફર કરવાનો દાવો કર્યો છે. જોકે, વિરોધીઓનું કહેવું છે કે માડુરો આ નાણાનો ઉપયોગ તેમના શાસનના વિદેશી સમર્થકોને આપવા કરશે. વેનેઝુએલા દ્વારા માનવાધિકાર ભંગ અને લોકશાહીના દમનના કારણોસર યુએસ, યુકે, કેનેડા, યુરોપિયન યુનિયન, સ્વિટ્ઝર્લેન્ડ, પનામા અને મેક્સિકો સહિતના દેશોએ ૨૦૧૪થી પ્રતિબંધો લાદ્યા છે.
લંડનસ્થિત લોયર સરોશ ઝાઈવાલાએ અલ બેન્કો સેન્ટ્રલ દ વેનેઝુએલા (BCV)ને જ વેનેઝુએલાની વિદેશમાં રહેલી એસેટ્સ પર નિર્ણય લેવાનો અધિકાર હોવાની રજૂઆત કરી હતી. BCVએ સોનાના જથ્થાને વેચી તેના નાણા યુએ એજન્સીમાં જમા કરાવવા સૂચના આપી હતી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ઓથોરિટી કોની હોવાના મુદ્દા પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી સોનાના નાણા મુક્ત કરવા ઈનકાર કરતા તેની સામે કાનૂની દાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે વેનેઝુએલાની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ ટ્રિબ્યુનલ ઓફ જસ્ટિસે ગુઆઈડો દ્વારા સેન્ટ્રલ બેન્કમાં કરાયેલી નિમણૂકો ગેરકાયદે ઠરાવી છે.