લંડનઃ સંયુક્ત રાષ્ટ્રની 79મી સામાન્ય સભાને સંબોધન કરતાં યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન આપવાની માગને સમર્થન આપ્યું હતું. આ પહેલાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં પણ ભારતની દાવેદારીને સમર્થન આપી ચૂક્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાને સંબોધન કરતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી બનાવવા માટે તેમાં બદલાવ જરૂરી છે. સુરક્ષા પરિષદ સક્રિય રહેવી જોઇએ, તેને રાજનીતિથી લકવાગ્રસ્ત બનાવી દેવી જોઇએ નહીં. અમે સુરક્ષા પરિષદમાં આફ્રિકા, બ્રાઝિલ, ભારત, જાપાન અને જર્મનીને કાયમી સભ્યપદ આપવાની તરફેણ કરીએ છીએ. તે ઉપરાંત ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં પણ વધારો કરવો જોઇએ.
હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સભ્યો છે જેમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને યુકે એમ પાંચ કાયમી સભ્ય છે જ્યારે અન્ય 10 હંગામી સભ્યોની બે વર્ષ માટે ચૂંટણી કરવામાં આવે છે.
આ પહેલાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ મહાસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આવો આપણે સંયુક્ત રાષ્ટ્રને વધુ અસરકારક બનાવીએ. તેમાં વિશ્વના દેશોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેથી ફ્રાન્સ સુરક્ષા પરિષદના વિસ્તરણને સમર્થન આપે છે.