સુસ્વાગતમ્, ભવ્ય ભારતના સ્વપ્નદૃષ્ટા

- રુપાંજના દત્તા Wednesday 18th April 2018 06:31 EDT
 
 

લંડનઃ ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે લોકોમાં તેમને આવકારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઇ ૧૭ એપ્રિલ એટલે કે મંગળવારે રાત્રે સ્વીડનથી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મિટીંગ (‘ચોગમ’)માં ભાગ લેવા માટે લંડન આવી પહોંચશે. ૨૦ એપ્રિલ સુધીના બ્રિટન રોકાણ દરમિયાન વડા પ્રધાન મોદી જેમને ‘જીવંત સેતુસમાન’ (લીવીંગ બ્રીજ) ગણાવે છે તેવા ભારતીય સમુદાય પર વિશેષ ધ્યાન અપાશે. અગાઉની મુલાકાત દરમિયાન તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે વડા પ્રધાન મોદી પહોંચ્યા ત્યારે વેમ્બલી સ્ટેડિયમમાં થયેલો તાળીઓનો ગડગડાટ અને ગગનભેદી સૂત્રોચ્ચાર આજે પણ ઘણા લોકોના કાનમાં ગુંજતો હશે. તે વખતે યુકેની ભૂમિ પર પહેલી વખત પોતાના ‘મિત્રો’ને સંબોધતા વડા પ્રધાન મોદીને જોવા અને સાંભળવા ૪૦ હજાર લોકોની વિશાળ મેદની ઉમટી પડી હતી. ૨૦૧૮ તરફ ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ભારતીય ડાયસ્પોરા આ વખતે પણ ‘ન.મો.’ને આવકારવા તેટલો જ ઉત્સુક છે. બે દેશોને જોડતી ભારતના વડા પ્રધાનની મુલાકાતના પ્રચાર - પ્રસાર માટે લંડનમાં પાંચ વાન ફરી રહી છે.
સોમવારે નવી દિલ્હીથી સ્વીડન પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટોકહોમમાં વડા પ્રધાન સ્ટેફન લોફવેન સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી. બાદમાં બન્ને દેશના વડા પ્રધાનોની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓએ સંરક્ષણ, સાયબર સિક્યુરિટી સહિતના ક્ષેત્રે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. મોદી અને લોફવેનની મુલાકાત બાદ ભારતીય વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ સંશોધન, વેપાર, મૂડીરોકાણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતના મુદ્દે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રે સહકાર માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મંત્રણા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણા દ્વિપક્ષીય સંબંધોનો પાયો સુરક્ષા સહકાર છે. સંરક્ષણ ક્ષેત્રે સ્વીડન ભારતનું બહુ જૂનું સહયોગી છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ ક્ષેત્રે, ખાસ કરીને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે, દ્વિપક્ષીય સહયોગની અનેક તકો સર્જાશે. અમે સુરક્ષા, ખાસ કરીને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે સહકાર વધુ મજબૂત બનાવવા નિર્ણય કર્યો છે.’

વડા પ્રધાન મે સાથે દ્વિપક્ષીય બેઠક

‘ચોગમ’ દરમિયાન વડા પ્રધાન મોદી એક માત્ર એવા વડા પ્રધાન હશે જેઓ બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે તેમ મનાય છે. વડા પ્રધાન મોદી બુધવાર - ૧૮ એપ્રિલના દિવસની શરૂઆત યુકેના તેમના સમકક્ષ થેરેસા મે સાથે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બેઠક સાથે કરશે અને ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સના ભારત પરત ફરવા અંગેના હાલ અસ્તિત્વમાં રહેલી, પરંતુ ફેરફાર કરાયેલી સમજૂતી પર હસ્તાક્ષર કરશે તેમ મનાય છે.
ત્યારબાદ, પ્રિન્સ ચાર્લ્સ સાથે વડા પ્રધાન મોદી બેઠક યોજશે. તે પછી સીઈઓની ફોરમમાં બ્રિટિશ અને ભારતીય ટેક ટેલેન્ટસ દ્વારા થનારી રજૂઆતમાં થેરેસા મે સાથે નમો હાજરી આપશે. સૌપ્રથમ વખત રજૂ થયેલી બેટરી સંચાલિત જગુઆર કારના નિદર્શન કાર્યક્રમમાં પ્રિન્સ ચાર્લ્સ પણ હાજર રહેશે તેમ મનાઈ રહ્યું છે.
મહારાણી સાથે મુલાકાત
ત્યારબાદ વડા પ્રધાન મોદી નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયની ખાસ વ્યક્તિગત મુલાકાત લેશે. ક્વીન કદાચ આ છેલ્લી વખત ‘ચોગમ’ની બેઠકમાં રૂબરૂ હાજરી આપશે. મુલાકાત બાદ થેરેસા મેના યજમાનપદે તમામ દેશોના આમંત્રિત મહેમાનો માટે ભવ્ય ડિનર યોજાશે.

દ્વિપક્ષીય સંબંધોનો સેતુ

ભારત કોમનવેલ્થ સાથેનો પોતાનો નાતો વધુ ઘનિષ્ઠ બનાવવા માગે છે અને યુકે સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં ચીનના વધતા જતા મહત્ત્વ વચ્ચે ભારત વિઝા સિસ્ટમને સરળ બનાવવા માટે વાટાઘાટો કરશે તેમ મનાય છે. જોકે, યુકે અને ભારત યુકેની કોલેજ ઓફ મેડિસીન, યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર સાથે યુકેમાં આયુર્વેદિક સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટેના સમજૂતી કરાર સહિત ઘણાં કરારો પર હસ્તાક્ષરો થશે.
૧૮મીએ પ્રિન્સ ચાર્લ્સ સાથેની મુલાકાત દરમિયાન આ સેન્ટર માટેની પ્લેકનું અનાવરણ વડા પ્રધાન મોદી કરશે.
આ સેન્ટર પ્રિન્સ ચાર્લ્સની પહેલ છે. ભવિષ્યમાં NHS અને GP પ્રિસ્ક્રિપ્શનમાં આયુર્વેદિક દવાઓના સમાવેશની આશા સાથે લંડનમાં આ સેન્ટર શરૂ કરવામાં આવશે. મુખ્યત્વે રિસર્ચ સેન્ટર તરીકે કાર્યરત રહેનાર સેન્ટર એક સચોટ દવા તરીકે આયુર્વેદમાં વિશ્વાસના ઘડતરની દિશામાં કાર્ય કરશે. યુકેમાં કેટલીક હોસ્પિટલોમાં તેની શાખા પણ સ્થપાશે.

ભારતીયો સાથે રૂ-બ-રૂ

૧૮મી એપ્રિલે વડા પ્રધાન મોદી ડાયસ્પોરાના ૧,૫૦૦ જેટલાં લોકોને વેસ્ટમિન્સ્ટરમાં સેન્ટ્રલ હોલ ખાતે સંબોધન કરશે. તેના માટે વિશ્વભરમાંથી અત્યારે પ્રશ્રો આવ્યા છે. માત્ર કાર્યક્રમમાં હાજર રહેલા દર્શકોને જ વડા પ્રધાન મોદીને પ્રશ્ન પૂછવાની તક મળશે એવું નથી પરંતુ, દુનિયાભરમાંથી લાઈવ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકો પ્રશ્ર પૂછવાની તક મેળવી શકશે.
બાદમાં તેઓ લેમ્બેથમાં બસવેશ્વરાની પ્રતિમા સ્થળે જશે. અને ઓલ્ડ સ્ટ્રીટ નજીક સિલિકોન વિસ્તારની મુલાકાત લેશે.
૧૯મી એપ્રિલે મોદી ‘ચોગમ’માં ભાગ લેશે અને અન્ય દેશોના વડા સાથે બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ- દ્વિતીયની યજમાની હેઠળ ડિનરમાં હાજર રહેશે. ૨૦મીએ વિન્ડસરમાં રિટ્રીટનું આયોજન થશે.
ત્યાં તમામ દેશોના વડા કોઈ પણ અધિકારીની હાજરી વિના એકબીજાને મળશે અને કોઈ પણ મુદ્દા વિશે વન-ટુ-વન ચર્ચા કરશે. વડા પ્રધાન મોદી ૨૦મીએ રાત્રે હિથ્રોથી ભારત પરત ફરશે.
વડા પ્રધાન મોદી સાથે પ્રધાન એમ. જે. અકબર ઉપરાંત વિવિધ વિભાગના ભારતીય સચિવો પણ યુકેની મુલાકાતે આવશે અને ‘ચોગમ’માં હાજરી આપશે. પરંતુ, તેમાંથી કોઈ પણ વડા પ્રધાનની સાથે જશે નહીં.

વિરોધ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો

કાશ્મીર અને ખાલિસ્તાની અલગતાવાદી તરફી જૂથો દ્વારા ૧૮મીએ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મોદી સામે વિરોધ દર્શાવવા ધરણાં-પ્રદર્શન યોજાયા છે. યુકેની મહિલાઓ જાહેરમાં તેમનું દુઃખ, વેદના અને આઘાત વ્યક્ત કરવા માટે મૌન વિરોધ કરશે અને તેમાંથી મોટાભાગની મહિલાઓ ભારતમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મને વખોડશે.
આ દેખાવો ૧૮મીએ બપોરે ૧.૩૦થી ૩.૩૦ દરમિયાન યોજાશે. ભારતીય તમિળો પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણ સાથે કાવેરી જળ વિવાદ ઉકેલવાની માગણી સાથે વિરોધમાં જોડાશે તેવી પણ અટકળો છે.
બીજી તરફ, લગભગ ૩૦ NRI સંસ્થાઓ પાર્લામેન્ટ સ્કવેર ખાતે બપોરે ૧૨ વાગ્યાથી સંગીત, નૃત્ય અને ભાષણ સહિત તેમની સાંસ્કૃતિક પ્રતિભાનું નિદર્શન કરશે.
ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોમનવેલ્થમાં તેમજ વૈશ્વિક ધોરણે ભારતના વધતા જતા મહત્ત્વને સમર્થન આપતી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ તેમના સભ્યો કરશે.

લોર્ડ અહેમદને અટકાવવા પિટિશન

યુકેના રહીશે વિલિયમ સ્મિથે પાર્લામેન્ટ સ્ક્વેર પર ૧૮મીને બુધવારે યોજાનારા લોર્ડ નઝિર અહેમદના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા થેરેસા મેને અનુરોધ કરતી એક પિટિશન શરૂ કરી છે. વિલિયમ સ્મિથે change.org પર મૂકેલી આ પિટિશનમાં ૯૦ સહી થઈ છે. તેમાં જણાવાયું છે કે પાકિસ્તાની મૂળના ભૂતપૂર્વ લેબર સાંસદ લોર્ડ નઝિર ૧૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ વિરોધ દેખાવો યોજવા જઈ રહ્યા છે. ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા મારા મિત્રોના જણાવ્યા મુજબ આ વિરોધ દેખાવો ૨૦૧૬માં બન્યું હતું તેમ હિંસક બની શકે. આ વિરોધ દેખાવોને આર્થિક સહાય કરતા લોર્ડ નઝિરે ફંડ એકત્ર કરવા તેમજ એજન્સીઓના સંકલન માટે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
વિલિયમ સ્મિથે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની મૂળના કેટલાંક બ્રિટિશ રાજકારણીઓને વિરોધ દેખાવો યોજવા માટે શીખ અને મુસ્લિમ સમાજના લોકોને ભેગા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં જ્યારે આવા વિરોધ દેખાવો યોજાયા હતા ત્યારે બ્રિટિશ નાગરિકોને પરેશાની ભોગવવી પડી હતી. જનજીવનને અસર પહોંચી હતી અને સામાન્ય નાગરિકોમાં ભય વ્યાપી ગયો હતો. જાહેર મિલકતને પણ નુક્સાન થયું હતું. બ્રિટિશ નાગરિક લોર્ડ નઝિર જેવા લોકો પાકિસ્તાનની તરફેણ કરીને યુકેમાં શા માટે તંગદિલી ઉભી કરવા માગે છે તે જ મને સમજાતું નથી.’

નવા ભારતના સરદાર નમો
‘હીરા’નો વીરલ હીરો નમો
ગૂર્જર ગરિમાનો વીરો નમો
ખુમારીભર્યા ખમીરો નમો
‘સારા દિન’ની લકીરો નમો-

ભારતી અસ્મિતાનો પર્યાય નમો
 મૂક તર્પણનો સ્વાધ્યાય નમો
 આર્ય દેશદાઝની ગરવાઈ નમો
 સર્વોયની મંગલ અચ્છાઈ નમો-

મહાભારતના માધવ શા નમો
રામરાજ્યના રાઘવ શા નમો
સંકલ્પમાં છે ભાર્ગવ શા નમો
આસ્તિક અણનમ ને આર્જવ નમો-

નવા યુગનો અણસાર નમો
 નવા સમયનો પડકાર નમો
 નવી દિશાનો સંચાર નમો
 નવા ભારતના સરદાર નમો-
મૂલ્યોમાં મુઠ્ઠી ઊંચેરો નમો

આસ્થાનો પ્રેરક ચહેરો નમો
નિર્ભયતાનો સમર્થ પહેરો નમો
સિદ્ધિની સાર્થક લ્હેરો નમો-

જનગણમનના ચાહક નમો
 વૈષ્ણવજનના સાધક નમો
 સંસારી પણ પરિવ્રાજક નમો
 બનારસના આરાધક નમો-
- પંકજ વોરા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter