લંડનઃ કાશ્મીરી ભારતીય મૂળની સફળ બ્રિટિશ બિઝનેસવુમન સેરેના રીસને આકર્ષક દેખાતી બાબતો ઘણી ગમે છે પરંતુ તે ખુદ મહાન ગાયિકા નથી. સેરેના રીસ એજન્ટ પ્રોવોક્ટરના સહ-સ્થાપક તરીકે વધુ જાણીતી છે. એજન્ટ પ્રોવોક્ટર પર્ફ્યુમ્સ, પગરખાં તેમજ અંડરવેર્સના વેચાણ સાથે સંકળાયેલા લોન્જરી બિઝનેસમાં છે.
કંટાળાજનક મેલખાઉ અંડરગાર્મેન્ટ્સ પરિધાન કરતી સ્ત્રીઓને નિહાળી થાકેલી રીસને રંગબેરંગી અને સ્ટાઈલિશ લિન્જેરીથી ભરપૂર હોય તેવો લોન્જરી સ્ટોર ખોલવાનો વિચાર આવ્યો હતો. તેણે ૧૦૦૪માં પોતાના તત્કાલીન પતિ તેમજ ડેમ વિવિયન વેસ્ટવૂડ અને માલ્કોમ મેક્લારેનના પુત્ર જોસેફ કોરે સાથે ભાગીદારીમાં સોહોની બ્રોડવિક સ્ટ્રીટમાં એજન્ટ પ્રોવોક્ટર સ્ટોરનો આરંભ કર્યો હતો. વર્ષો અગાઉ ગાર્ડિયનમાં સેરેના રીસને એમ કહેતા ટાંકવામાં આવી હતી કે,‘સુંદર અંતર્વસ્ત્ર (અંડરવેર) સારી સ્ટાઈલનો આધાર છે. દરેક સ્ત્રીએ સુંદર લોન્જરી પહેરવી જોઈએ- તમે અન્ય ગમે તે વસ્ત્રો પહેર્યાં હોય તેમ છતાં તમે શ્રેષ્ઠતાનો અનુભવ કરી શકો છો.’
સેરેનાએ ૨૦૦૭માં અન્ય બિઝનેસ હિતોની શોધમાં એજન્ટ પ્રોવોક્ટર સ્ટોર છોડી દીધો અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ 3i દ્વારા યુકે લોન્જરી બિઝનેસ એજન્ટ પ્રોવોક્ટર ૬૦ મિલિયન પાઉન્ડમાં હસ્તગત કરી લેવાયો હતો.
સેરેના રીસે ૨૦૦૬માં જોસેફ કોરેને છોડી પૂર્વ ક્લેશ બાસિસ્ટમાંથી પેઈન્ટર બનેલા પોલ સિમોનોનનો સાથ લીધો ત્યારે લંડનની ફેશન ઈન્ડસ્ટ્રીએ ભારે આંચકો અનુભવ્યો હતો. સેરેના કોકોમાયા ચોકલેટ ઉત્પાદકની પણ સહસ્થાપક છે. તે પોતાની પુત્રી કોરા અને પાર્ટનર સિમોનોન સાથે સેન્ટ્રલ લંડનમાં રહે છે. કોરા સેરેના રીસ અને જોસેફ કોરેની પુત્રી છે. કાળા ચળકતાં વાળ ધરાવતી ૧૯ વર્ષીય કોરા કોરે લંડનની સૌથી વધુ ધ્યાન અપાતી સેલેબ્રિટી સંતાન છે, જેણે માત્ર ચાર વર્ષની વયે મોડેલિંગની દુનિયામાં પદાર્પણ કર્યું હતું.
૪૮ વર્ષીય સેરેના રીસની પેન્ટીઝ અને પેસ્ટ્રીઝના વિશ્વથી તદ્દન અલગ અને રહસ્યપૂર્ણ ઉત્કટ લાગણી જાણીને તમે ચોંકી જશો. તેનો આ શોખ બિલ્ડિંગ્સ અને આર્કિટેક્ચર સંબંધે છે. સેરેના રીસ માટે સમગ્ર લંડનમાં પ્રોપર્ટીની ખરીદી, તેની તોડફોડ- ફેરફાર અને નવેસરથી સજાવટ કરવી તે વળગણ જેવું બની ગયું છે. તેણે ૧૯૮૦ના દાયકામાં ચેલ્સીના કિંગ્સ રોડથી થોડા અંતરે ભાડાં પરનો ફ્લેટ છોડ્યાં પછી સૌપ્રથમ પ્રોપર્ટી નોટિંગહામ હિલમાં ખરીદ્યા પછી, સેન્ટ જ્હોન્સ વૂડમાં, પિમ્લિકોમાં વિશાળ ટાઉનહાઉસની જોડીના પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં હતાં. આ પછી, ક્લર્કેનવેલમાં ઈન્ડસ્ટ્રિયલ બિલ્ડિંગ હાથમાં લીધું હતું. તેણે મેરીલિબોનમાં ચાર્ટરહાઉસ સ્ક્વેર, પોર્ટલેન્ડ પ્લેસની કામગીરી પણ સંભાળી હતી, જ્યાં ન્યૂ યોર્કના અપર ઈસ્ટ સાઈડ પરના હોટેલ સ્યૂટ્સમાંથી પ્રેરણા લઈ ‘લેટરલ હોમ’નું સર્જન કર્યું હતું.
આ નવા બિઝનેસ પ્રોજેક્ટ્સ સેરેનાને ન્યૂ યોર્ક તેમજ સમગ્ર વિશ્વમાં વ્યસ્ત રાખતાં હોવાથી તેણે રિજેન્ટ્સ પાર્કસ્થિત સ્ટાઈલિશ ઘરને ૧૫ મિલિયન પાઉન્ડમાં વેચાણ માટે માર્કેટમાં મૂકવાનો નિર્ણય લીધો છે. સન્ડે ટાઈમ્સના રિપોર્ટમાં સેરેનાને એમ કહેતાં ટાંકવામાં આવી છે કે,‘નવા ઘર તરફ પ્રયાણ કરવાનું હંમેશાં રોમાંચક હોય છે.’