લંડન: પહેલા વિશ્વ યુદ્ધ સમયના ૧૦૦ વર્ષ પુરાણા એક વિમાને ફરી આસમાન સર કર્યું છે! અને આનો જશ જાય છે બ્રિટનના એક દંપતી અને તેમની ૧૦ વર્ષની મહેનતને. આ દંપતીએ ભંગારમાંથી સાવ ખખડધજ હાલતમાં મળેલા આ યુદ્ધ વિમાનનું રિસ્ટોરેશન કર્યું અને ઉડાવ્યું પણ ખરું. તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે, ગાય અને જેનિસ બ્લેક નામના દંપતીને આ યુદ્ધ વિમાન રાજસ્થાનમાં બિકાનેરના રાજાના મહેલમાંથી મળ્યું હતું.
સન ૧૯૧૭માં બનેલું એરકો ડીએચ-૯ નામનું આ વિમાન દંપતીને મળ્યું ત્યારે તેમાંથી એન્જિન કાઢી લેવાયું હતું અને તેનો ઉપયોગ મહેલની આસપાસની વિશાળ જમીન પર પાણી છાંટવા માટે કરાતો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી બ્રિટિશ સરકારે આવા અનેક બોમ્બર વિમાન યુદ્ધમાં ભાગ લેનારા કોમનવેલ્થ દેશોને ભેટમાં આપી દીધા હતા.
આવું જ એક વિમાન બિકાનેરના રાજવી પરિવાર પાસે હોવાનું બ્લેક દંપતીને જાણવા મળતાં તેઓ ભારત પહોંચ્યા હતા અને રાજવી પરિવારને મનાવીને વિમાન ખરીદી લીધું હતું.
દંપતીએ આ વિમાન લીધું ત્યારે તેનો લાકડાનો ભાગ ઉધઈ ખાઈ ગઈ હતી. એટલું જ નહીં, બિકાનેરમાંથી મળેલા વિમાનના એન્જિનનું રિપેરીંગ પણ શક્ય ન હતું. જોકે, બ્લેક દંપતીની રેટ્રોટેક નામની કંપની આ પ્રકારના વિમાનોનું રિસ્ટોરેશન કરવા જાણીતી છે. આ દંપતીએ આ વિમાન પર બે-ચાર વર્ષ નહીં પણ કુલ દસ વર્ષ કામ કર્યું અને તેને બિલકુલ પહેલાં જેવું બનાવી દીધું. તાજેતરમાં જ આ દંપતીએ આશરે ૧૦૦ વર્ષ પછી બ્રિટનના ઈમ્પેરિયલ વોર મ્યુઝિયમ પરથી આ વિમાન ૩૦ મિનિટ સુધી ઉડાવ્યું હતું.
રિસ્ટોરેશન માટે ઊંડું સંશોધન
આ વિમાન ખરીદીને બ્રિટન લઈ ગયા પછી બ્લેક દંપતીએ રિસ્ટોરેશન માટે ઊંડું સંશોધન કર્યું હતું. જેમ કે, વિશ્વ યુદ્ધ વખતે બ્રિટિશ સરકારે વિમાનના લાકડાના ભાગ તૈયાર કરવા વેરિંગ એન્ડ ગિલો સ્મિથ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ કંપનીની જેમ જ વિમાનના લાકડાના ભાગ તૈયાર કરાયા. ત્યાર પછી ૧૦૦ વર્ષ પહેલાં તેને જે કલર કરાયો હતો એવી જ રીતે, કલર તૈયાર કરીને તેનું કલર કામ કરાયું છે. આ વિમાન ૧૦૦ કિલોના બે અને ૫૦ કિલોના બે બોમ્બ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.