લંડનઃ નર્વસ બ્રિટિશ રોકાણકારોએ કિંમતી ધાતુ સોનાના પાટ અને સિક્કામાં રોકાણનું પ્રમાણ વધારી દીધુ છે. બોન્ડ અને ઈક્વિટી બજારમાં નાણાકીય અસ્થિરતાના પગલે સોનાની કિંમતમાં આ વર્ષે ૧૮ ટકાનો વધારો જોવાયો છે. ગત બે વર્ષમાં સોનાની કિંમતો યુએસ વ્યાજ દરમાં વધારાની અપેક્ષા તેમજ ડોલરના મૂલ્યના ઉછાળાના પરિણામે નીચી રહી હતી.
બેન્કિંગ કટોકટીના ભયે વિશ્વભરના બજારોમાં સ્ટોક માર્કેટ ગગડતાં રોકાણકારો સલામત રોકાણ પસંદગી તરફ વળ્યા હતા. વૈશ્વિક અર્થતંત્રના આરોગ્ય તેમજ ૨૦૦૮ની ક્રેડિટ કટોકટી જેવા તીવ્ર નાણાકીય આઘાતનો સામનો કરવાની બેન્કોની ક્ષમતા અંગેના ભયથી ૧૧ ફેબ્રુઆરીએ શેરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ઓઈલ પ્રાઈસમાં પણ તીવ્ર ઘટાડો જોવાયો હતો. યુએસ ક્રુડ ૪.૫ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૨૬.૨૧ ડોલરના ભાવે નીચું ઉતર્યું હતું, જે ૨૦૦૩ પછી સૌથી નીચું છે.