લંડનઃ જીપી ડો. અલકા પટેલે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર મળતી માહિતીથી ગેરમાર્ગે દોરાઇને દર્દીઓ ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ વેડફી રહ્યાં છે. એકતરફ ડોક્ટરો પર મોટી સંખ્યામાં એપોઇન્ટમેન્ટ લાદવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરાઇ રહેલા દર્દીઓ ડોક્ટરોનો સમય બરબાદ કરી રહ્યાં છે.
ડો. અલકા પટેલે જણાવ્યું હતું કે, લોકો વિશ્વસનીય સૂત્રો પાસેથી મેડિકલ માહિતી મેળવવાના સ્થાને સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઇ રહ્યાં છે. જેમને ખરેખર સારવારની જરૂર છે તેવા દર ચારમાંથી એક દર્દીને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળતી નથી જ્યારે જેમને સારવારની જરૂર નથી તેવા દર ચારમાંથી એક દર્દી એપોઇન્ટમેન્ટનો દુરુપયોગ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, વિચિત્ર પ્રકારની ધારણાઓ સાથેની બીમારી લઇને આવતા દર્દીઓને એપોઇન્ટમેન્ટ આપવાની બંધ કરી દેવી જોઇએ. એક માતાએ ફક્ત એટલા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી કારણ કે તેને ચિંતા હતી કે તેનો દીકરો પાછળની તરફ ચાલતો ત્યારે રોકાઇ શક્તો નહોતો. સમસ્યા એ છે કે લોકોમાં હેલ્થ એન્ઝાઇટીમાં વધારો થઇ રહ્યો છે. તેના માટે સોશિયલ મીડિયા જવાબદાર છે.