લંડનઃ સરકાર દ્વારા રજૂ કરાયેલા રાઇટ ટુ બાય પોલિસીમાં સુધારા અનુસાર ઘણા સોશિયલ હાઉસિંગ ભાડૂઆતો તેમના પોતાના જ ઘર ખરીદી શકશે નહીં. નવા પ્રસ્તાવ અનુસાર ભાડૂઆતે તેમના ભાડાના ઘર ખરીદવા માટે 10 કરતાં વધુ વર્ષ રાહ જોવી પડશે. જેઓ નવા નિર્માણ કરાયેલા સોશિયલ હોમ્સમાં રહે છે તેઓ તો ક્યારેય તે મકાન ખરીદી શકશે નહીં.
સરકાર રાઇટ ટુ બાય ડિસ્કાઉન્ટમાં કાપ મૂકીને તેને વર્ષ 2012 પહેલાંના સ્તરે લઇ જવા ઇચ્છે છે. જેના પગલે સોશિયલ ટેનન્ટ્સ તેમણે ખરીદેલા ઘર વેચવાનું ટાળશે. હાઉસિંગ સેક્રેટરી એન્જેલા રેયનરે જણાવ્યું હતું કે આ બદલાવો સોશિયલ હાઉસિંગમાં થઇ રહેલો ઘટાડો અટકાવશે પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે લેબર સરકાર અપેક્ષાઓઅને સામાજિક હેરફેર પર મર્યાદાઓ લાદી રહી છે.
રાઇટ ટુ બાય પોલિસીના સુધારા પ્રસ્તાવ
- ભાડૂઆત સોશિયલ હોમ ખરીદી શકે તે માટેની હાલની 3 વર્ષની મર્યાદામાં વધારો કરવો, મર્યાદા પાંચ વર્ષ, 10 વર્ષ કે 10થી વધુ વર્ષ કરવા વિચારણા
- નવા નિર્માણ કરાયેલા સોશિયલ હાઉસિંગ ભાડૂઆતોના ખરીદવા પર પ્રતિબંધની વિચારણા
- નવા નિર્માણ કરાયેલા સોશિયલ હાઉસિંગ 10થી 30 વર્ષ સુધી ખરીદી નહીં શકાય
- રાઇટ ટુ બાયનો ઉપયોગ કરીને મકાન ખરીદનારાને અપાતા મહત્તમ ડિસ્કાઉન્ટમાં કાઉન્સિલના આધારે 16,000થી 38,000 પાઉન્ડનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ