જે ઉમરે પોતાના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર પણ પૂરેપૂરો મળતો નથી, ૫૨વાનગી વિના વાહન ચલાવી શકાતું નથી, રસ્તા પર કાર ડ્રાઇવ કરવાની સંપૂર્ણ મનાઈ હોય છે કે લગ્ન પણ કરી શકતા નથી એ ઉંમરે બ્રિટનનાં મેક રધરફોર્ડે એવા એવા પરાક્રમો કર્યા છે અને વિક્રમો સર્જ્યા છે કે તે જોઇને લોકો આશ્ચર્યચકિત છે. બ્રિટનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની ઉંમર 18 વર્ષની છે, પરંતુ મેકે 17 વર્ષની ઉંમરે માત્ર એરોપ્લેન જ ઉડાડ્યું નથી, પરંતુ ઇતિહાસ રચ્યો છે. તે 17 વર્ષની વયે પાયલટ બની ગયો છે અને એકલપંડે વિમાન ઉડાવીને 52 દેશોનો પ્રવાસ કરી વિશ્વવિક્રમ સર્જ્યો છે.