લંડનઃ યુકેના ૯૩ વર્ષના સૌથી વયોવૃદ્ધ મહિલા પોસ્ટમાસ્ટર કે વ્હાઈટે ૮૦ વર્ષની સેવા પછી નિવૃત્તિ લીધી છે. રસપ્રદ બાબત એ છે કે તેમણે માત્ર ૧૪ વર્ષની વયે શ્રોપશાયરમાં પોતાના ગામ ક્લેવર્લીની પોસ્ટ ઓફિસમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ૧૯૬૦માં બ્રાન્ચના પોસ્ટમિસ્ટ્રેસ બન્યા પછી અત્યાર સુધી આ હોદ્દાનો કાર્યભાર સંભાળી રહ્યાં હતા.
મિસ કે વ્હાઈટ તેમના ૭૫ વર્ષના ભત્રીજી એન મેડલી સાથે મળીને આ પોસ્ટ ઓફિસનું સંચાલન કરતા હતા. ડિસેમ્બર મહિનામાં આ બ્રાન્ચ બંધ થવાથી સ્થાનિક લોકોએ તેમની સેવા વિના ખાલીપો લાગવાની લાગણી વ્યક્ત કરી હતી. મિસ વ્હાઈટે જણાવ્યું હતું કે, ‘હું આજ દિન સુધી જીવીશ તેમ મેં કદી વિચાર્યું ન હતું. મને વિચાર આવતો કે હું મૃત્યુ પામીશ અને આ સ્થળ અન્ય કોઈને વેચી દેવાશે અને હું આ બધી ઝંઝટથી છૂટી ગઈ હોઈશ.’
કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણોમાં મિસ વ્હાઈટ અને તેમના ભત્રીજીનાં નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે ૨૦૨૦ના પ્રારંભિક સમયગાળામાં પોસ્ટ ઓફિસને કામચલાઉ બંધ કરવામાં આવી હતી.
ગામવાસીઓને પણ તેમની પોસ્ટમિસ્ટ્રેસની ગેરહાજરી સાલતી હતી. રેવ. ગેરી વોર્ડના કહેવા અનુસાર ‘કેટલાક લોકો તો મિસ વ્હાઈટને હેલ્લો કહેવા અને થોડી ઘણી વાતો કરવા જ આવતા હતા. લોકોને તેમની ગેરહાજરી સતાવી રહી છે. પોસ્ટ ઓફિસ ગામનું હૃદય હતી અને કે વ્હાઈટ તેના કેન્દ્રમાં વસતા હતાં.’
મિસ વ્હાઈટે હિસાબકિતાબ રાખવા સાથે કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો. આજનો યુગ ભલે ટેકનોલોજીનો ગણાતો હોય, પરંતુ હજુ તેમને હિસાબો યાદ છે. તેઓ ૧૪ વર્ષનાં હતાં ત્યારે તત્કાલીન પોસ્ટમિસ્ટ્રેસ મિસિસ ડ્રયુએ તેમની માતાને કિશોરી વ્હાઈટ ઓફિસના કામકાજમાં થોડી મદદરૂપ થવા આવી શકે કે કેમ તે વિશે પૂછ્યું હતું. મિસ વ્હાઈટ કહે છે કે, ‘તે સમયગાળામાં તમારી માતા કહે કે તમારે આમ કરવાનું છે તો તમારે તે કરવાનું જ હોય અને આ રીતે હું અહીં કામ કરવા આવી હતી.’
વ્હાઈટને કોમ્યુનિટીની સેવા બદલ MBE
ક્લેવર્લી’સ હેરડ્રેસર્સનું સંચાલન કરતાં લિન્ડા સાગેનું કહેવું છે કે ‘મિસ વ્હાઇટનો પ્રભાવ ખરેખર જોરદાર છે. તેઓ ચારિત્ર્યવાન છે અને કોઈ વ્યક્તિને પોસ્ટ ઓફિસની ખોટ જો સૌથી વધુ સાલશે તો તે કે વ્હાઈટ ખુદ હશે. આ તો તેમનું જીવન જ હતું.’