લંડનઃ સ્કોટલેન્ડના એક લોકપ્રિય સાઇટ સિઇંગ સ્થળ ખાતેના જળાશયમાં બે ભારતીય વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. ગેરી અને ટમેલ નદીઓનો સંગમ થાય છે તે પર્થશાયરના પિટ્લોક્રી ખાતેના લિન ઓફ ટમેલ ધોધના જળાશયમાંથી બુધવારે રાત્રે બે વ્યક્તિના મૃતદેહ મળ્યાં હતાં.
અખબારી અહેવાલો પ્રમાણે ડન્ડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 મિત્રો આ સ્થળે ટ્રેકિંગ કરતા હતા ત્યારે તેમાંથી જિતેન્દ્રનાથ કરુતુરી અને ચાણક્ય બોલિસેટ્ટી ધોધના જળાશયમાં પડ્યા અને તણાઇ ગયાં હતાં. અન્ય બે મિત્રોએ ઇમર્જન્સી સેવાઓને તાત્કાલિક બોલાવી હતી પરંતુ તેમને બચાવી શકાયા નહોતાં.
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 22 અને 27 વર્ષના આ બંને ભારતીય વિદ્યાર્થી આંધ્રપ્રદેશના વતની હતા. ભારતના કોન્સ્યુલેટ જનરલ મૃતકોના પરિવારો સાથે અને યુકેમાં તેમના સંબંધીઓ સાથે સંપર્કમાં છે. ડન્ડી યુનિવર્સિટીએ પણ તમામ પ્રકારની સહાય આપવા કહ્યું છે. પોસ્ટ મોર્ટમ બાદ બંનેના મૃતદેહ ભારત મોકલી અપાશે.