લંડનઃ સ્ટાફ માટે પ્લેગ્રાઉન્ડ જેવી ઓફિસના નિર્માણ અને તેઓ આરામથી કામ કરી શકે તે માટે તેમની પસંદ અનુસાર કાર્યસ્થળ બનાવવા માટે ગ્લુસ્ટરશાયરની ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે સંકળાયેલી કંપની Money.co.uk ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ મોલિંગને બ્રિટનના શ્રેષ્ઠ બોસ ગણાવાઈ રહ્યા છે. ક્રિસ મોર્લીંગ ૨૦૧૫માં સૌથી ઝડપી નફો કરનારી બીજી બ્રિટિશ કંપનીને વિશ્વનું બેસ્ટ વર્કપ્લેસ બનાવવા ઇચ્છે છે અને કંપની સ્ટાફના ખાવા-પીવાથી લઇને તેમના ફરવા સુધીનો ખર્ચ ઉઠાવે છે
ક્રિસ મોર્લીંગ કહે છે કે ‘કંપનીનો ઇરાદો કર્મચારીઓને તેમના મહત્ત્વની અનુભૂતિ કરાવવાનો છે. તેમની ટીમ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. જ્યારે કર્મચારી વાસ્તવમાં માને કે તેમનું મૂલ્ય અંકાય છે, તેમના મતને ગણવામાં આવે છે ત્યારે તેઓ શક્તિશાળી હોવાની લાગણી અનુભવે છે અને ઉત્પાદકતા અમર્યાદિત બની જાય છે.’ કંપની દ્વારા સ્ટાફને બે વખત દેશ-વિદેશ ફરવાનો સમગ્ર ખર્ચ આપવા ઉપરાંત, ચેરિટીના કાર્યમાં સેવા માટે વર્ષમાં ત્રણ દિવસની રજા તેમજ સખાવત કરવા વધારાના ૫,૦૦૦ પાઉન્ડ પણ આપવામાં આવે છે. કર્મચારીઓ માટે કામના કલાકો પણ ફ્લેક્સિબલ રખાયા છે. આ ઉપરાંત, તેમને વાર્ષિક પગારના ૪૫ ટકા જેટલું બોનસ પણ અપાય છે. સાત વર્ષમાં કર્મચારીઓની સંખ્યા સાતથી વધીને ૫૦ થઈ છે.
કંપનીએ ગ્લુસ્ટરશાયરમાં કિલ્લો ખરીદી ૧૦,૦૦૦ સ્ક્વેર મીટરમાં ૧૪ મહિનાના પ્રોજેક્ટમાં ત્રણ મિલિયન પાઉન્ડના ખર્ચે નવી સજાવટ સાથે ભવ્ય ઓફિસ બનાવી છે, જ્યાં કર્મચારીઓની પસંદને પ્રાધાન્ય અપાયું છે. મીટિંગ માટે બરફની ગુફા અને જંગલ જેવા ખંડ, લાઇબ્રેરી, આર્કેડ ગેમ ઝોન, રોલિંગ સ્ટોનની થીમવાળું ટોઇલેટ, જિમ અને યોગ સ્ટુડિયો, સિનેમા હોલ પણ બનાવાયા છે. બ્રેકફાસ્ટ, લંચ, બિયર સહિત દરેક સુવિધાઓ મફત છે.