નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના નવા વડાપ્રધાન કેર સ્ટાર્મરને લેબર પાર્ટીના ઐતિહાસિક વિજય માટે અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવા નવી સરકાર સાથે કામ કરવા હું આતુર છું. સંસદની ચૂંટણીમાં નોંધપાત્ર વિજય હાંસલ કરવા માટે હું કેર સ્ટાર્મરને અભિનંદન પાઠવું છુ. હું પરસ્પરના વિકાસ અને સમૃદ્ધિને વેગ આપવા હકારાત્મક અને રચનાત્મક અભિગમ ધરાવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કેર સ્ટાર્મરને ભારતની મુલાકાત લેવાનું પણ આમંત્રણ પાઠવ્યું હતું.
યુકેની સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજય બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઇ રહેલા વડાપ્રધાન રિશી સુનાકનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકેના તમારા કાર્યકાળમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં તમારા સક્રિય યોગદાન અને યુકેને પ્રશંસનીય નેતૃત્વ આપવા માટે તમારો આભાર. ભવિષ્ય માટે તમને અને તમારા પરિવારને મારી શુભેચ્છા છે.